ભરૂચ જિલ્લાના ઝઘડીયા જીઆઇડીસીની કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા જાતિ વિષયક ટિપ્પણી કરાતા આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલ એક કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટર દ્વારા ટેલીફોનીક વાતચીત દ્વારા આદિવાસી સમાજ માટે વિવાદિત ટિપ્પણીઓ કરવામાં આવી હતી. ત્યારબાદ કોન્ટ્રાક્ટરની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આદિવાસી સમાજના યુવાનો રોષે ભરાયા હતા.
સમગ્ર મામલે આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનોએ મોટી સંખ્યામાં ઝઘડીયા જીઆઇડીસી પોલીસ મથકે ભેગા થયા હતા, અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ વિરોધ દર્શાવ્યો હતો. ત્યારબાદ પોલીસે દરમિયાનગીરી કરી કોન્ટ્રાક્ટરને પોલીસ મથકે બોલાવતા સમાધાન થયું હતું. આદિવાસી સમાજના યુવાનો સમક્ષ કોન્ટ્રાકટર દ્વારા માફી માંગી, હવે ક્યારે પણ આદિવાસી સમાજ તેમજ આ વિસ્તાર વિરુદ્ધ કોઈપણ વિવાદિત ટિપ્પણી નહીં કરું તેમ જણાવતા મામલો ઠાળે પડ્યો હતો