હોળી-ધુળેટી પર્વને આડે હવે 1 દિવસ જ બાકી રહ્યો છે, ત્યારે ભરૂચ શહેર તથા જીલ્લામાં ઠેર ઠેર ધાણી-ખજૂર સહિત રંગો અને પિચકારીના સ્ટોલ લાગ્યા છે. જોકે, મંદીના માહોલ વચ્ચે પણ લોકોમાં તહેવારની ઉજવણી માટે ઉત્સાહ જોવા મળ્યો છે.
આગામી તા. 24 અને 25 માર્ચના રોજ રંગોનો પર્વ હોળી-ધુળેટી આવી રહ્યો છે, ત્યારે ભરૂચ શહેર તથા જીલ્લામાં ઠેર ઠેર ધાણી-ખજૂર સહિત રંગો અને પિચકારીના સ્ટોલ જોવા મળી રહ્યા છે. જોકે, આ વર્ષે હોળી ધુળેટી પર્વ નિમિત્તે ધાણી-ખજૂર સહિત રંગો અને પિચકારીના ભાવમાં આંશિક વધારો થયો છે. ખાસ કરીને હોલિકા પૂજન માટે ધાણી અને ખજૂરની વિશેષ પ્રમાણમાં માગ રહેતી હોય છે, અને શાસ્ત્ર અનુસાર તમામ હિન્દુ સમાજના લોકો હોલિકાની પ્રદક્ષિણા કરી ધાણી અને ખજૂર હોલિકામાં હોમી પરિવારમાં સુખ-શાંતિ રહે તે માટે પ્રાર્થના કરતા હોય છે. જેના માટે તમામ લોકો ધાણી ખજૂરની ખરીદી અચૂક કરે છે, ત્યારે આ વર્ષે ધાણી અને ખજૂરના ભાવમાં ગત વર્ષ કરતા બમણો વધારો થયો છે. તો બીજી તરફ, હોળીના તહેવારમાં રંગ અને પિચકારીના વેપારીઓએ પણ પોતાની દુકાન હોળીની ઉજવણીના માલ સામાન ભરી સજાવી છે. હોળીના કલરના ભાવો અને પિચકારીના ભાવમાં પણ 20થી 25 ટકાનો વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, હોળીના તહેવારને હવે એક દિવસ આડે છે, છતાં દુકાનમાં ઘરાકી ન નીકળતા વેપારીઓની ચિંતામાં વધારો થયો છે. તો બીજી તરફ, અંતિમ દિવસોમાં બજારમાં ઘરાકી નીકળે તેવી વેપારીઓ આશા સેવી રહ્યા છે.