ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વીજ સમસ્યાઓના મુદ્દે પાલિકાના કોંગી સભ્યોએ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એન્જિનિયરને રજૂઆત કરી સમસ્યાઓનું નિવારણ નહી થાય તો ચક્કાજામ અને કચેરીનો ઘેરાવો કરાવની ચીમકી ઉચ્ચારી હતી. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વોલ્ટેજ ડ્રોપ સહિતની સમસ્યાઓ અંગે આ વિસ્તારના પાલિકાના સભ્યોએ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એન્જિનિયરને રજૂઆત કરી હતી.
જેના નિવારણ માટેની ખાતરી આપવામા આવી હતી. જોકે, તેનું પાલન નહી કરવામાં આવે તો વીજ કંપનીનો ઘેરાવો કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. પશ્ચિમ વિસ્તારના વોર્ડ નંબર 1 અને 2માં છેલ્લા 5 માસથી વોલ્ટેજ ડ્રોપની સમસ્યા ઉપરાંત સૂચિત ઓવર બ્રિજના કારણે આ વિસ્તારના વીજ પોલ હટાવવાની કામગીરી પણ કેટલાક સમયથી બંધ છે
ત્યારે આ મામલે કોંગ્રેસના સભ્યો સમસાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી, ઇકબાલ કલકલ સહિતના અન્ય સભ્યોએ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ચીફ એન્જિનિયર સાથે ચર્ચા કરી તે અંગે રજૂઆત કરી હતી. જેના પ્રત્યુતરમાં એન્જિનિયર દ્વારા આગામી દિવસોમાં આ સમસ્યાના નિવારણ માટેની ખાતરી આપવામાં આવતા પાલિકા સભ્યોએ સંતોષ વ્યક્ત કર્યો હતો. પણ જો, સમસ્યાઓનું નિરાકરણ નહીં થાય તો આગામી દિવસોમાં ચક્કાજામ કરવા સાથે વીજ કચેરીનો ઘેરાવો કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.