રાજયમાં જાહેરમાર્ગો પર નોનવેજની લારીઓનો વિવાદ ફરી તુલ પકડી રહયો છે. ભરૂચના ઝાડેશ્વર રોડ પર નોનવેજની લારીઓ અને ગલ્લાઓ પર સ્થાનિકોએ હલ્લાબોલ કર્યું હતું.
ભરૂચના ઝાડેશ્વર તવરા રોડ ઉપર લારી ગલ્લા અને નોનવેજની દુકાનો ગેરકાયદે ઊભી કરી દેવાતા સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો છે. લારીઓ પર આવતાં લોકો ગમે ત્યાં વાહનો પાર્ક કરી દેતાં હોય છે તેમજ લારીઓ પરથી ધુમાડાથી લોકો પરેશાન થઇ ઉઠયાં છે. જિલ્લા પંચાયતના સદસ્ય શૈલાબેન પટેલની આગેવાનીમાં આસપાસની સોસાયટીઓના રહીશો રસ્તા પર ઉતરી આવ્યાં હતાં અને લારીઓ પર જઇ ઉગ્ર રજુઆતો કરી હતી. અગાઉ સ્થાનિકોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી દબાણો હટાવવાની માંગ કરી હતી પણ કોઇ કાર્યવાહી કરાય ન હતી. આખરે સ્થાનિકોએ જાતે જ લારીઓ પર જઇ સાત દિવસમાં લારીઓ બંધ કરી દેવાની મહેતલ આપી છે.