/connect-gujarat/media/post_banners/43d7113b6e45d1dcf438f3cd79ac7f2c46556d375dc46abc591baa723843b7d4.jpg)
વ્યાજને લગતી સમસ્યાઓનું નિરાકરણ તેમજ આ બદીથી મુક્ત કરવા માટે વ્યાજ દૂષણ સંપૂર્ણ નાબૂદ કરવાના હેતુસર ભરૂચ જિલ્લા પોલીસવડા ડો. લીના પાટીલની અધ્યક્ષતામાં ભરૂચના મકતમપુર રોડ સ્થિત કૃષિ યુનિવર્સિટી ખાતે લોક દરબારનું આયોજન કરાયું હતું.
રાજ્યમાં વ્યાજખોરીને ડામવા માટે સરકારે પોલીસને છૂટો દોર આપ્યો છે, ત્યારે ઘણા લાંબા સમયથી વ્યાજના અજગરી ભરડામાં સપડાયેલા પીડિતોને છૂટકારો અપાવવા માટે પોલીસે વ્યાજખોરો ઉપર ધોંસ બોલાવવાનું શરૂ કરી દીધું છે. આર્થિક તંગીના કારણે ગેરકાયદેસર વ્યાજ વટાવનો વ્યવસાય કરતાં લોકો પાસેથી વ્યાજે રૂપિયા લેતા હોય છે, અને પછી રીતસરની વ્યાજખોરની ચુંગાલમાં ફસાઈ જતા હોય છે. એકંદરે વ્યાજખોરોના કારણે એક વ્યક્તિને નહીં, પરંતુ આખા પરિવારને પાયમાલી વેઠવી પડતી હોય છે, તો બીજી તરફ કેટલાક લોકો કંટાળી જઈ આત્મહત્યા પણ કરી લે છે, ત્યારે લોકો પણ જાગૃત રહે તે માટે પોલીસ વિભાગ લોક અદાલતનું આયોજન કરી લોકોમાં જાગૃતતા આવે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જનજાગૃતિ અર્થે જિલ્લાભરમાં પોલીસ અધિકારીઓ અને સામાજીક અગ્રણીઓને સાથે રાખી ભરૂચ પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો હતો. જેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિને ડામવા પોલીસ વિભાગને સાથ સહકાર આપવા લોકોને વિનંતી કરવામાં આવી હતી.