ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી નેત્રંગને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે, ત્યારે નવા માલજીપુરાના ગ્રામજનોએ રસ્તા ઉપર ઉતરી આવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
તમે જે બિસ્માર માર્ગના દ્રશ્યો જોઈ રહ્યા છો, તે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી નેત્રંગને જોડતા માર્ગના છે. આ રસ્તો એટલો બિસ્માર બન્યો છે કે, માર્ગ પરથી જ્યારે ભારે વાહનો પસાર થાય ત્યારે ધૂળની ડમરીઓ ઉડવા લાગે છે. જેના કારણે વાહન ચાલકો તેમજ ગ્રામજનોને ખૂબ જ હાલાકી વેઠવાનો વારો આવે છે. રોડ નજીક રહેતા લોકોના મકાનોમાં ધૂળના થર જામ્યા છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ધૂળની ડમરીઓ ઉડવાના કારણે લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ ગંભીર અસર પડે છે. શ્વાસની બીમારીઓ થવાની દહેશત વર્તાય રહી છે. રોડ પરથી વાહનો પસાર થાય તો પથ્થરો ઉડીને લોકોને વાગે છે, અને વાહનોને પણ નુકસાન થાય છે, ત્યારે હવે આ બિસ્માર માર્ગનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. નવા માલજીપુરાના ગ્રામજનોએ રસ્તા ઉપર ઉતરી આવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, ત્યારે વિરોધ કરવા રસ્તા પર બેસેલા ગ્રામજનોને રાજપારડી પોલીસે સમજાવી રસ્તો પુનઃ શરૂ કરાવ્યો હતો. ત્યારબાદ લાગતા વળગતા વિભાગના એન્જિનિયરે સ્થળ મુલાકાત કરી ગ્રામજનોની રજૂઆત સાંભળી દિન 15મા રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી.