Connect Gujarat
ભરૂચ

ભરૂચ : રૂંગટા વિદ્યાલયમાં ધો. 11 અને 12ના એડમિશન ફોર્મ નહીં મળતા વિદ્યાર્થી સહિત વાલીઓનો હોબાળો...

રુકમણી દેવી રૂંગટા વિદ્યાલયમાં ધોરણ ૧૧ અને ૧૨ માટે એડમિશન ફોર્મ આપવામાં ન આવતા વિદ્યાર્થીઓ સહિત વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.

X

ભરૂચ જિલ્લામાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે. પરંતુ ભરૂચના સ્ટેશન રોડ પરની રુકમણી દેવી રૂંગટા વિદ્યાલયમાં ધોરણ ૧૧ અને ૧૨ માટે એડમિશન ફોર્મ આપવામાં ન આવતા વિદ્યાર્થીઓ સહિત વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. તો બીજી તરફ ટ્રસ્ટીગણે વાલીઓ સાથે મિટિંગ યોજી હતી.

ધોરણ ૧૦ની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલી રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલયમાં ધોરણ ૧૧માં એડમિશન માટે કેટલાય વિદ્યાર્થીઓ પોતાના વાલીઓ સાથે શાળા ઉપર ધક્કા ખાઈ રહ્યા હતા. પરંતુ એડમિશન ફોર્મ કેમ નથી મળતા અને પ્રવેશ કેમ આપવામાં નહીં આવે તે પ્રશ્નને લઇને વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝવણ અનુભવી રહ્યા હતા. જેના પગલે વાલીઓ અને વિદ્યાર્થીઓએ શાળાના ટ્રસ્ટીગણ સાથે મિટિંગ યોજી હતી. આ મિટિંગમાં વાલીઓ અને વિદ્યાર્થીઓને સ્પષ્ટ કહ્યું હતું કે, ધોરણ-૧૧ અને ૧૨ના વર્ગ શિક્ષકોના અભાવે બંધ કરી દેવામાં આવ્યા છે. અને જણાવ્યુ હતું કે, જે વિદ્યાર્થીને જે સ્કૂલમાં એડમિશન મળે તે મેળવી શકે છે. જોકે, ટ્રસ્ટીગણના આવા જવાબથી વિદ્યાર્થી સહિત વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

ભરૂચ જિલ્લામાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઇ ચૂક્યું છે, છતાં પણ રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલય દ્વારા ધોરણ ૧૧માં પ્રવેશ માટે ફોર્મ આપવામાં આવ્યા ન હોવાના કારણે વાલીઓએ ટ્રસ્ટીઓ સાથે મિટિંગ યોજી હતી. આ સાથે જ વર્ગ શરૂ કરવામાં નહીં આવે તેવું ટ્રસ્ટીઓનું રટણ છે, ત્યારે હવે અંત સુધીમાં વિદ્યાર્થીઓને કઈ સ્કૂલમાં એડમિશન મળશે તેવા પ્રશ્નો ઉભા થયા છે. જેના પગલે વાલીઓ આવતીકાલે શિક્ષણ અધિકારીને રજૂઆત કરશે અને વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તેવી માગણી કરનાર હોવાનું વાલીઓએ જણાવ્યુ હતું.

જોકે, રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલયમાં શિક્ષકોના અભાવે ધોરણ ૧૧ અને ૧૨ના વર્ગ શરૂ કરવામાં નહીં આવે તેવું ટ્રસ્ટી પુષ્પાબેન પટેલે જણાવ્યું હતું. આ બાબતે શિક્ષણ અધિકારીને ટ્રસ્ટીઓ દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. પરંતુ અંત સુધી વિદ્યાર્થીઓને એડમિશન અંગે કોઇ યોગ્ય જવાબ ન મળતા હવે વિદ્યાર્થીઓ કઈ શૈક્ષણિક શાળાઓમાં એડમિશન મેળવી શકશે તે પ્રશ્ન ઊભો થયો છે.

તેવામાં શિક્ષકોના અભાવે રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલયમાં ધોરણ ૧૧ અને ૧૨ના વર્ગ બંધ કરવામાં આવ્યું હોવાનું ટ્રસ્ટીઓએ રટણ કર્યું હતું, ત્યારે આવતીકાલે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીને આ બાબતે રજૂઆત કરી રૂગટા વિદ્યાલયમાં ધોરણ-૧૧ અને ૧૨ના વર્ગ શરૂ કરવામાં આવે તેવી માંગણી વાલીઓ દ્વારા કરવામાં આવનાર છે.

Next Story