સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ દરમ્યાન નાના ભૂલકાઓને ઉત્સાહભર્યા વાતાવરણમાં શાળાઓમાં પ્રવેશ અપાય રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કેશવાણ તથા ગંધાર ખાતે ધારાસભ્ય અરુણસિંહ રણાએ પ્રથમ વખત શાળામાં પ્રવેશ મેળવનાર ભૂલકાઓને આવકાર્યા હતા.
રાજ્યભરમાં બાળકોના શિક્ષણમાં ઉત્સાહ સાથે નામાંકન થાય, અને કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે વર્ષ-2003માં તત્કાલ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારથી પ્રતિ વર્ષ ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં ગત તા. 23 જૂનથી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે આજે તા. 25 જૂનના રોજ ત્રીજા દિવસે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કેશવાણ અને ગંધાર ખાતે ધારાસભ્ય અરુણસિંહ રણાની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. ધારાસભ્ય અરુણસિંહ રણાએ દફતર અને અભ્યાસ કીટ અર્પણ કરી આંગણવાડી અને ધોરણ-1માં પ્રવેશ મેળવનાર ભૂલકાઓને આવકાર્યા હતા. ધોરણ 3થી 8ના પ્રથમ 3 ક્રમે આવેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ઇનામ આપી સન્માનીત કરાયા હતા. આ સ્તહે જ શાળામાં શિક્ષણ અર્થે દાન આપનાર દાતાઓની પણ વિશેષ સન્માન કરાયું હતું.