ભરૂચ : ભાજપના ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા સંપન્ન, જુઓ સૌથી વધુ ક્યાથી ઉમેદવારી ફોર્મ ભરાયા..!

New Update
ભરૂચ : ભાજપના ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા સંપન્ન, જુઓ સૌથી વધુ ક્યાથી ઉમેદવારી ફોર્મ ભરાયા..!

ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકો માટે ભાજપના હોદેદારો અને અપેક્ષિતોની ત્રણ દિવસ ચાલેલી સેન્સ લેવાની પ્રક્રિયામાં નિરીક્ષક તરીકે ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને નિમિષા સુથારની ઉપસ્થિતીમાં સંપન્ન થઈ હતી.

ભાજપ તરફથી વિધાનસભાની ચૂંટણીમાં ભરૂચ જિલ્લાની 5 બેઠક માટે ગુરુવારથી સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ભાજપની સેફ અને સિક્યોર ભરૂચ તેમજ અંકલેશ્વર વિધાનસભા માટે ઉમેદવારોને સાંભળવાની અને તેમની દાવેદારીની કામગીરી પૂર્ણ થયા બાદ ગત શુક્રવારે વાગરા તેમજ જંબુસર બેઠક માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે ઉમેદવારો, સમર્થકોની હાજરી વચ્ચે ભાજપના નિરીક્ષકો ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને નિમીષા સુથાર દ્વારા એક બાદ એક દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા.

જંબુસર બેઠક માટે ભાજપમાંથી દાવેદારી નોંધાવવા ઉમેદવારોની હારમાળા સર્જાઈ ગઈ હતી. જેમાં પૂર્વ ધારાસભ્ય છત્રસિંહ મોરી, ડી.કે.સ્વામી, કિરણ મકવાણા, વિરલ મોરી, બળવંત પઢીયાર, વિલાસ રાજ અને કૃપા દોષી સહિત 15થી વધુએ ચૂંટણી લડવા ઉત્સુકતા બતાવી હતી. જોકે, બપોર બાદ વાગરા વિધાનસભા માટે હાઈ વોલ્ટેજ જોવા મળ્યો હતો. વર્તમાન ધારાસભ્ય અને સહકારી આગેવાન અરૂણસિંહ રણાએ શક્તિ પ્રદર્શન સાથે દાવેદારી કરવા પોહચ્યા હતા.

તેઓ ઉપરાંત વાગરા બેઠક માટે સંજયસિંહ ચાવડા, ધીરમ ગોહિલ, શૈલેષ પટેલ સહિતે મુખ્ય દાવેદારી નોંધાવી હતી. આ સેન્સ પ્રક્રિયા દરમિયાન 5 વિધાનસભામાં ભરૂચમાંથી 21, અંકલેશ્વરમાંથી 10, વાગરામાંથી 12, ઝઘડીયામાંથી 16 અને સૌથી વધુ જંબુસરમાંથી 23 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જેથી ભરૂચ જિલ્લાની 5 વિધાનસભામાં 82 લોકોએ ઉમેદવારી કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે, ત્યારે રાજપૂત છાત્રાલય ખાતે સંપન્ન થયેલ સેન્સ પ્રક્રિયા દરમ્યાન ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા સહિત સંગઠનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

Latest Stories