ભરૂચ શહેરમાં 43 હજાર મકાનોની ગટરલાઇનને મુખ્ય ગટરલાઈન સાથેના જોડાણ કાર્યનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને જન ભાગીદારી યોજના અંતર્ગત રૂ. 27 કરોડના ખર્ચે મંજુર થયેલ ખાનગી સોસાયટી સાથે શહેરના 43 હજાર મકાનોની ગટર લાઈનને મુખ્ય ગટર લાઈન સાથેના જોડાણ અંગેના કામની ખાતમુહૂર્ત વિધિ સોનેરી મહેલ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે યોજાય હતી.
આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, શહેરમાં જોડાણ આપનાર ગટર લાઈનમાં 7 હજાર રૂપિયાનો ખર્ચ શહેરની જનતાને ભોગવવો પડતો હોય છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા આ તમામ ખર્ચમાંથી ભરૂચ શહેરની જનતાને મુક્તિ આપવામાં આવી છે. જેમાં 43 હજાર કનેક્શન નગરપાલિકા દ્વારા મફતમાં આપવામાં આવશે. જેનાથી ભરૂચની વર્ષો પુરાણી ગટરની સમસ્યાનું નિવારણ આવશે, તેવી આશા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, ઉપપ્રમુખ નીનાબા યાદવ, પાણી અને ગટર સમિતિના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, પાલિકાના મુખ્ય અધિકારી કેશવલાલ કોલડીયા, વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી સહિત પાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.