ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં માં સખી સંઘની બહેનો સેનેટરી પેડ પેકિંગ કરી વેચાણ અને જનજાગૃતિ ફેલાવી સરાહનીય કાર્ય કરી રહી છે. આ બહેનો આર્થિક રીતે પગભર થઈ મહિલા સશક્તિકરણ માટે પ્રેરણારૂપ બની છે.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં માં સખી સંઘ કાર્યરત છે. ખેતીવાડી, રોજગારીને લગતી પ્રવૃત્તિઓ, પશુપાલન, ડેરી અને સ્વ-સહાય જૂથોની અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા બહેનો સંકલન, સમર્થન અને ઉત્થાન માટે રોજગારીની પ્રવૃત્તિઓમાં આગળ વધે અને પોતે પગભર થઈ સશક્ત બની શકે તેવા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. બહેનો હવે પુરુષ સમોવડી બની છે. તેવામાં આ પ્રોજેક્ટ અંતર્ગત 300 જેટલા સ્વ-સહાય જૂથોની રચના કરવામાં આવી છે. જેમાં 3,427 જેટલી બહેનો જોડાયેલી છે. માં સખી સંઘનો પ્રારંભ વર્ષ 2021માં કરવામાં આવ્યો હતો. જેમાં 4 ગામના 31 મંડળના 350 જેટલા બહેનો જોડાયા છે. જંબુસર તાલુકાના ડાભા ગામના માં સખી સંઘમાં 9 બહેનોની કમિટી છે. જે JMVM પ્રમુખ ઉર્મિલા રોહિત અને કેર ઇન્ડિયા સેનેટરી પેડ બિઝનેસ મેનેજર કૃપા પટેલના માર્ગદર્શન હેઠળ સેનેટરી પેડનો વ્યવસાય શરૂ કર્યો છે. જે પેડ બહારથી લાવી બધા બહેનો એકત્ર થઈ પેકિંગ કરી અને ડોર ટુ ડોર વેચાણ સહિત જનજાગૃતિનું કાર્ય કરે છે. બહેનોને લગતી મુશ્કેલીઓ, તકલીફો અને તેના નિરાકરણની ચર્ચાઓ સાથે સેનેટરી પેડના ફાયદા સમજાવવામાં આવે છે. આ વ્યવસાયની શરૂઆત મંડળની બહેનોએ 2 વર્ષ પહેલા 20,000 રૂપિયાનું આંતરિક ધિરાણ લઈ કરવામાં આવી હતી. વ્યવસાયનો વ્યાપ વધારવા અને બહેનો આર્થિક રીતે વધુ પગભર થાય તે માટે મહિલા સંગઠન અત્યારે પુરા પ્રયત્નો અને જોશ સાથે કામગીરી કરી રહી છે.