ભરૂચ જિલ્લામાંથી વતનમાં જતાં લોકો માટે એસટી નિગમ તરફથી વધારાની બસો દોડાવવાનું શરૂ કરાયું છે. ભરૂચના જીએનએફસી ડેપો તથા અંકલેશ્વરના જીઆઇડીસી ડેપો ખાતેથી મુસાફરો એકસ્ટ્રા ટ્રીપનો લાભ લઇ શકશે.
ભરુચ જિલ્લાના વિવિધ એસ.ટી ડેપોમાંથી સૌરાષ્ટ્ર અને પંચમહાલ સહિત કુલ 36 ટ્રીપ શરૂ કરી છે. દિવાળીનો તહેવાર આવતા જ લોકો પોતાના વતન ફરવા જતા હોય છે. મુસાફરોની સુવિધા માટે ભરૂચ એસટી વિભાગે વધારાની બસો દોડાવવાનું નક્કી કર્યું છે. હાલ વતનમાં જવા માટે લોકોનો ધસારો હોવાથી ખાનગી અને સરકારી બસો હાઉસફુલ દોડી રહી છે તેથી વધારાની બસો દોડાવવામાં આવી રહી છે. ભરૂચના GNFC ડેપો અને અંકલેશ્વર GIDC ખાતેથી સૌરાષ્ટ્ર,પંચમહાલ, અમદાવાદ, ઉત્તર ગુજરાત અને મહારાષ્ટ્ર માટે એક્સ્ટ્રા ટ્રીપો દોડાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે.ભરૂચના ડિવિઝન કંટ્રોલર સી.ડી.મહાજન જણાવ્યું કે,જયારે કોઈ કંપની અથવા વ્યકતિઓના ગ્રુપ દ્વારા 51 સીટનું ગ્રુપ બુકીંગ કરવામાં આવશે તો તેને પોતાના ઘેરથી ગામના ઘર સુધી નોન સ્ટોપ એસ.ટી બસ સેવાનો લાભ મેળવી શકાશે.