/connect-gujarat/media/post_banners/67167a80770be03e6fdae17eb02738ae6499af399849ff9dd1d9adf3da13935d.jpg)
ભરૂચ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી નગરપાલિકા ચોમાસા પહેલા ભયજનક મકાનોમાં રહેતા લોકોને નોટીસ આપી તેમના મકાનો ઉતારી લેવા અથવા તો રીપેરીંગ કરાવી લેવા તાકીદ કરે છે. આ વર્ષે કરાયેલા સર્વેમાં જર્જરિત મકાનો અને ઇમારતોની સંખ્યા 378 નોંધાઇ હતી, ત્યારે ભયજનક મકાનોના કારણે જાનહાનિ ન થાય તે માટે પાલિકાએ મકાન માલિકોને નોટીસ આપી છે.
ભરૂચની ભૌગોલિક રચનાને જોતાં જૂનું ભરૂચ શહેરના ટેકરા ઉપર વસેલું છે, જ્યારે નવું ભરૂચ શહેર તળેટીમાં આવેલું છે. જોકે, દર ચોમાસામાં ટેકરાની માટી ધસી પડવાના કારણે મકાનો પત્તાના મહેલની માફક ધરાશાયી થઇ જતાં હોય છે. ચોમાસામાં મકાનો જોખમી હોવાનું જાણતાં હોવા છતાં મકાન માલિકો વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે તેમના મકાનો ખાલી કરવાના બદલે ભયજનક મકાનોમાં રહેવાનું પસંદ કરતાં હોવાથી મોટી હોનારતનો ખતરો મંડરાતો રહે છે, ત્યારે નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ભયજનક મકાનોમાં રહેતા લોકોને તેમના મકાનો ઉતારી લેવા અથવા રીપેરીંગ કરાવવા માટે નોટીસ આપવામાં આવે છે. ચોમાસામાં ભયજનક હાલતમાં રહેલાં કાચા-પાકા મકાનો તેમજ ઝૂંપડાઓ તૂટી પડવાથી જાનહાનિ સર્જાય શકે તેમ છે. જેથી પાલિકાએ ભયજનક મકાનોમાં રહેતાં લોકોને નોટિસ આપી આવા મકાનો ઉતારી લેવા અથવા રીપેરીંગ કરવા જણાવ્યું છે. જો તેમના વિસ્તારમાં ભયજનક મકાન અંગે લોકો પાલિકામાં જાણ કરશે તો તે મકાન ઉતારવામાં મદદરૂપ થવા માટે પાલિકા પ્રમુખે જણાવ્યુ હતું.