ભરૂચ જિલ્લામાંથી પસાર થતાં દાંડી માર્ગની અધુરી કામગીરીના કારણે વાહનચાલકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહયાં છે. નાળાઓની અધુરી કામગીરીના કારણે અકસ્માતનો ભય પણ સેવાય રહયો છે.
અંગ્રેજોએ મીઠા પર કરવેરો નાંખતાં સન 1930માં મહાત્મા ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી સુધી કુચ કરી હતી જે ઇતિહાસમાં દાંડીકુચ તરીકે સ્થાન પામી છે. મહાત્મા ગાંધીજીની દાંડીકુચની યાદોને જીવંત રાખવા માટે ગાંધીજી જે રૂટ પરથી પસાર થયા હતાં તે માર્ગને દાંડીપથ તરીકે વિકસાવવામાં આવી રહયો છે. ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતાં દાંડીપથની અવદશા જોવા મળી રહી છે. જો કદાચ ગાંધીજી જીવીત હોત અને આ માર્ગ પરથી પસાર થયાં હોત તો તેઓ પણ બોલી ઉઠયાં હોત હે રામ........
ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકાને જોડતા મુખ્ય માર્ગો બિસ્માર બનતા વાહનચાલકો મુશ્કેલીનો વેઠી રહ્યા છે. ભરૂચના જંબુસર બાયપાસ ચોકડી થી જંબુસર જતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. છેલ્લા ઘણા સમયથી ભરૂચથી જંબુસર, વાગરા અને આમોદને જોડતા રસ્તાઓ પર ઠેર ઠેર મસમોટા ખાડાઓ પડી ગયા છે. બિસ્માર રસ્તાઓના કારણે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ લાગતાં વળગતા અધિકારીઓએ લોકોના પ્રશ્નોને ધ્યાન પર લેતા નથી તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે.
મુખ્યત્વે ભરૂચથી આમોદ, વાગરા અને જંબુસરના માર્ગ પર નાળાની હાલત બદત્તર બની જતાં અકસ્માતનો ભય પણ વાહન ચાલકોને સતાવીએ રહ્યો છે. ભરૂચ જંબુસર રોડ પર વર્ષોથી આમોદના સમની ગામ નજીક રેલ્વે ફાટક પાસેના ઓવરબ્રિજ બનવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જે આજ દિન સુધી પૂરી થઈ નથી. જોકે, તેના પાસે જે સર્વિસ રોડ બનાવવામાં આવ્યો છે તે પણ અત્યંત બિસ્માર બન્યો છે. માત્ર સમની જ નહી અનેક સ્થળોએ નાળાઓની કામગીરી અધુરી છે. નાળાની કામગીરી અધુરી હોવાથી નાળા બનાવતી કંપનીએ ચેતવણી આપતાં બોર્ડ પર લગાવ્યાં છે.
ભરૂચ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ હસ્તગત આ રસ્તો આવે છે. દર વર્ષે ચોમાસામાં આ રસ્તો ધોવાય જાય છે અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને નાના વાહનચાલકો ઉબડખાબડ રસ્તાઓના કારણે ભારે હાલાકી વેઠી રહયાં છે. ખાસ કરીને દર્દીઓને દવાખાનાઓમાં ખસેડવાના હોય છે ત્યારે નવનેજા પાણી આવી જાય છે. બિસ્માર રસ્તાના કારણે વાહનચાલકો સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવે ત્યારે અકસ્માતનો ભોગ બને તે વાત ચોકકસ છે. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ વાહનચાલકોના નહિ પણ મહાત્મા ગાંધીજીના હિતને ધ્યાનમાં રાખી નાળાઓની કામગીરી ઝડપી પુર્ણ કરાવે તો તે લેખે લાગશે.