ભરૂચના અંકલેશ્વર નજીક હાઇવે પરનો માર્ગ બિસ્માર બનતા વાહનચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખરોડ ચોકડી નજીક ઓવરબ્રિજ બનાવવાની ચાલી રહેલ કામગીરી છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં રહેતા નેશનલ હાઇવે પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહયું છે.
હાલ ચોમાસાની સિઝનમાં રાજ્યના મોટાભાગના તમામ માર્ગો બિસ્માર બન્યા છે ત્યારે નેશનલ હાઇવે નંબર 48 પર અંકલેશ્વર નજીકનો માર્ગ પણ અત્યંત બિસ્માર હાલતમાં થઈ ગયો છે. અંકલેશ્વર નજીક હાઇવે પર ખરોડ ચોકડી પાસે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે જેના પગલે ત્રણ કી.મી.જેટલો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ ગયો છે. માર્ગ બિસ્માર બનવાના કારણે ધૂળ ઊડી રહી છે જેના પગલે વાહનોની ગતિ અવરોધાય રહી છે. ધીમી ગતિએ પાસાર થતા વાહનોના કારણે 15થી 20 કી.મી.સુધી વાહનોની કતાર લાગે છે જેના પગલે સમય અને ઈંધણનો પણ વ્યય થઈ રહ્યો છે. આ ઉપરાંત નજીકમાં આવેલ ખરોડ ગામના લોકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. નજીકમાં શાળા અને હોસ્પિટલ આવેલી છે પરંતુ ટ્રાફિકજામ હોવાના કારણે સ્થાનિકોએ પણ અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. નેશનલ હાઇવે હોવાના કારણે રોજના હજારો વાહનો અહીથી પસાર થાય છે પરંતુ અંકલેશ્વર આવતા જ વાહનોના પૈડા થંભી જાય છે જેના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે
અંકલેશ્વરની ખરોડ ચોકડી નજીક માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ.90 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવી રહયો છે જેની જાહેરાત ત્રણ વર્ષ અગાઉ કરવામાં આવી હતી અને 1થી દોઢ વર્ષથી કામગીરી શરૂ કર્વમાં આવી છે પરંતુ મંથર ગતિએ ચાલતી કામગીરીનો ભોગ હાઇવે પરથી પસાર થતાં વાહનચાલકો બની રહ્યા છે. કામગીરીના પગલે માર્ગનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે પરંતુ ડાયવર્ઝનનો માર્ગ તકલાદી હોવાના કારણે વારંવાર ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાય રહી છે ત્યારે આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે એ જરૂરી છે