/connect-gujarat/media/post_banners/b8d81a619219d3233373d1f2f5431460cb503eac3dbe59c6ce3fb686ed16a847.jpg)
સમગ્ર રાજ્યમાં આજથી 3 દિવસ સુધી વિદ્યાર્થીઓના શાળા પ્રવેશોત્સવ સમારોહનો પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ત્રિદિવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના ભાગરૂપે આજે શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે ભરૂચના ઝાડેશ્વર ગામ સ્થિત કન્યાશાળા અને નવા તવરા તેમજ જુના તવરા ગામે આવેલ પ્રાથમિક શાળા ખાતે રાજ્ય મંત્રી વિનોદ મોરડીયાની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાયો હતો. જુના તવરા પ્રાથમિક શાળાની બાળકીઓએ સ્વાગત ગીત રજૂ કરી મંત્રીનું સ્વાગત કર્યું હતું. આ સાથે જ દિપપ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આંગણવાડીમાં 17 બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો, જ્યારે પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં 41 બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. જે તમામ બાળકોને રાજ્યમંત્રીના હસ્તે સ્કૂલ બેગ તેમજ નોટબુક સહિતની અભ્યાસ કીટનું વિતરણ કરાયું હતું. સમગ્ર કાર્યક્રમમાં તવરા ગામના સરપંચ, ગામ પંચાયત સદસ્ય, જિલ્લા પંચાયત સદસ્ય તેમજ મોટી સંખ્યામાં ગામના આગેવાનો, શિક્ષકો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
"શિસ્ત અને સંસ્કૃતિનો વારસો જેના વડે જળવાય તેનું નામ શિક્ષણ". રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં શિક્ષણની શરૂઆત કરનાર ભૂલકાઓને વધાવવા શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવ્યો છે, ત્યારે ભરૂચના નંદેલાવ ગામ સ્થિત પ્રાથમિક મિશ્રશાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના બાળકો દ્વારા વિવિધ નૃત્ય કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં આમંત્રિત મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ચોકલેટ ખવડાવી મીઠો આવકાર આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે નંદેલાવ ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મી ચૌહાણ, ડેપ્યુટી સરપંચ પ્રકાશ મેકવાન, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જયશ્રી વાચ્છાણી, નંદેલાવ પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
નવા શૈક્ષણિક વર્ષમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અન્વયે ભરૂચ જિલ્લા સમાહર્તા તુષાર સુમેરાની અધ્યક્ષતામાં અંકલેશ્વર તાલુકાના માંડવા સ્થિત પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોને જિલ્લા સમાહર્તા તુષાર સુમેરાએ પ્રોત્સાહિત કરી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી ઈ-ગ્રામ સેન્ટરની મુલાકાત પણ લેવામાં આવી હતી.