Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જંબુસરથી કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રાનો પ્રારંભ, આમોદ નજીક કોંગ્રેસના જ 2 જુથ વચ્ચે સર્જાયું આંતરિક યુદ્ધ

દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રાનો ભરૂચ જિલ્લાના જંબુસરથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.

X

દક્ષિણ ગુજરાતની કોંગ્રેસ પરિવર્તન સંકલ્પ યાત્રાનો કોંગ્રેસ સોશિયલ મીડિયાના અધ્યક્ષ સુપ્રિયા શ્રીનેતની આગેવાનીમાં ભરૂચ જિલ્લાના જંબુસરથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ, પરિવર્તન સંકલ્પ યાત્રા દરમ્યાન આમોદ નજીક કોંગ્રેસના જ 2 જુથ વચ્ચે સામાન્ય બાબતે આંતરિક યુદ્ધના દ્રશ્યો પણ સર્જાયા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાતને હવે ગણતરીનો જ સમય જ બાકી છે, ત્યારે હવે ભાજપ બાદ ગુજરાત કોંગ્રેસે પણ ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે. કોંગ્રેસ દ્વારા ગુજરાતની તમામ 182 બેઠકો પર પરિવર્તન સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રાનો ભરૂચ જિલ્લાના જંબુસરથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જંબુસર નગરના સ્વામિનારાયણ મંદિરે આયોજિત કોંગ્રેસની બેઠક બાદ પરિવર્તન સંકલ્પ યાત્રાનું પ્રસ્થાન થયું હતું.

કોંગ્રેસ દ્વારા આ પરિવર્તન યાત્રામાં ભાજપ સરકાર વિરુદ્ધ અલગ અલગ મુદ્દાઓ સાથે લોકોને મળી પોતાનો પ્રચાર કરવામાં આવનાર છે, ત્યારે આ યાત્રાનું આમોદ, વાગરા અને દયાદારા ખાતે પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર યાત્રા દરમ્યાન કોંગ્રેસ સોશિયલ મીડિયાના અધ્યક્ષ સુપ્રિયા શ્રીનેત, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, જંબુસર કોંગ્રેસના ધારાસભ્ય સંજય સોલંકી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

તો બીજી તરફ, કોંગ્રેસના રાષ્ટ્રીય કક્ષાના નેતાઓની હાજરીમાં જ પરિવર્તન સંકલ્પ યાત્રાને આંતરિક યુદ્ધનો સામનો કરવો પડયો હતો. મળતી માહિતી અનુસાર, આમોદ નજીક યાત્રાના રૂટને લઇને કોંગ્રેસના જ 2 નેતાઓના જૂથ બાખડી પડ્યા હતા. જો યાત્રા આ રૂટ પરથી ગઈ તો કોઈ નહીં આવે, અને યાત્રા તો અહિયાં થઇને જ જશે જેવી બાબતે 2 જૂથના કેટલાક કાર્યકરોએ કોંગ્રેસમાં આંતરિક મતભેદ કેટલી અને કઈ હદે છે, તે અંગેના પુરાવા જાહેર રસ્તા ઉપર કરાવી દીધા હતા.

એક સમય હતો કે, કોંગ્રેસ દિગ્ગજ નેતા મર્હુમ અહેમદ પટેલ જાહેર સભાઓમાં સંબોધન કરતાં હતા કે, કોંગ્રેસને કોંગ્રેસીઓ જ હરાવે છે, અને એવી બાબતોને હવે વિધાનસભા-2022ની ચૂંટણીઓમાં ભરૂચ ખાતે કોંગ્રેસમી આ યાત્રામાં થયેલ આંતરિક ઘમાસાણ બાદથી જોઈ શકાય છે. તો બીજી તરફ, વાયુવેગે પ્રેસરેલા કોંગ્રેસના આંતરિક મતભેદના સમાચારો બાદથી કોંગ્રેસ વિરોધી પક્ષો પણ અંદરો અંદર ગેલમાં હોય તેમ ચર્ચાઈ રહ્યું છે.

Next Story