Connect Gujarat
ભરૂચ

ભરૂચ: અંકલેશ્વરમાં બ્રાન્ડેડ કંપનીનો ડુપ્લિકેટ લોગો લગાડી કપડા વેચતા વેપારીની ધરપકડ,લાખો રૂપિયાના કપડા મળી આવ્યા

અંકલેશ્વરની હરિ ગારમેન્ટ દુકાનમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ કપડાં વેચતા વેપારીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

X

અંકલેશ્વરની હરિ ગારમેન્ટ દુકાનમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ કપડાં વેચતા વેપારીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વેપારી પાસેથી પોલીસે રૂપિયા 2.50 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલા ઝોડીઆક કોમ્પ્લેક્ષ સ્થિત હરિ ગારમેન્ટનો માલિક બ્રાન્ડેડ લીવાઇઝ કંપનીના ડુપ્લિકેટ કપડાં વેચતો હોવાની માહિતી કંપનીના સંચાલકોને મળી હતી જેના આધારે તેઓ દ્વારા આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.મુંબઈના દાદર ખાતે રહેતાં એક્ઝિક્યુટિવ મેહુલ ધોલે લીવાઇઝ કંપનીના ટ્રેડમાર્ક પ્રોટેક્શન તેમજ કોપી રાઈટ અંગેનું કામ કરે છે. તેઓએ પોતાની કંપનીના અન્ય સ્ટાફ અને અંકલેશ્વર શહેર પોલીસને સાથે રાખી હરિ ગારમેન્ટ કંપનીમાં તપાસ કરાવી હતી.દુકાનમાંથી લીવાઇઝ કંપનીના ડુપ્લિકેટ 147 જીન્સ, 32 શર્ટ અને 15 ટી શર્ટ મળી કુલ 245 કપડા મળી આવ્યા હતા. આ કપડા કંપનીના બ્રાન્ડ નેમનો ઉપયોગ કરી વેચવામાં આવી રહ્યા હતા.

અંકલેશ્વર શહેર પોલીસ મથકે લીવાઇઝ કંપનીના એક્ઝિક્યુટિવે વેપારી સામે ટ્રેડમાર્ક અને કોપી રાઈટના ભંગ બદલ કંપનીનો ડુપ્લિકેટ લોગો લગાડી કપડાં વેચવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ડુપ્લિકેટ લોગો વાળા રૂપિયા 2 લાખ 78 હજારના કપડાં કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story