આખા ભરૂચ શહેરમાં જયાંથી શાકભાજી પહોંચાડવામાં આવે છે તેવા એપીએમસી માર્કેટ ખાતે જ ગંદકી જોવા મળી રહી છે. ગંદકીની સફાઇ કરવાના બદલે અધિકારીઓ અને વેપારીઓ એકબીજા પર આરોપો લગાવી રહયાં છે...
ભરૂચ શહેરમાં મહંમદપુરા ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ( એપીએમસી) આવેલી છે. થોડા સમય પહેલાં એપીએમસીનું નેશનલ હાઇવે પર આવેલાં વડદલા ખાતે સ્થળાંતરિત કરી દેવામાં આવી છે. એપીએમસીના સ્થળાંતરનો પણ વેપારીઓએ વિરોધ કરતાં મહંમદપુરા ખાતેની એપીએમસી પણ કાર્યરત રાખવામાં આવી છે. ભરૂચ શહેરના લોકોની શાકભાજીની જરૂરીયાત પુર્ણ કરવા માટે ભરૂચ ઉપરાંત મહારાષ્ટ્રથી શાકભાજી મંગાવવામાં આવે છે. શહેરમાં મોટા ભાગની લારીઓ પર મહંમદપુરા એપીએમસીમાંથી શાકભાજીનો જથ્થો પહોંચતો હોય છે. મહંમદપુરા એપીએમસી ખાતે જ ગંદકી હોવાથી વેપારીઓમાં રોષ ફેલાયો છે...
એપીએમસીમાં ફેલાયેલી ગંદકી માટે વેપારીઓ એપીએમસીના તંત્રને જવાબદાર ગણાવી રહયાં છે તો આ બાબતે એપીએમસીના ઇન્સપેકટરે જણાવ્યું હતું કે, વેપારીઓ જ ગંદકી ફેલાવી રહયાં છે.