ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલમાં જાણીતા વેલનેસ ટ્રેનર ડૉ. અભિલાષા દ્રિવેદીના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત વિકાસ પરિષદના સ્થાપના દિવસ નિમિત્તે સંસ્થાની ભુગૃભુમિ શાખા તથા જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલના સંયુકત ઉપક્રમે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલી જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલમાં અભ્યાસ ઇતર પ્રવૃતિના ભાગરૂપે એક ખાસ વર્કશોપનું આયોજન કરાયું હતું. આ વર્કશોપના આયોજનનો મુખ્ય હેતુ ભારત વિકાસ પરિષદના સ્થાપના દિવસની અનોખી રીતે ઉજવણી કરવાનો હતો. જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલ તથા ભારત વિકાસ પરિષદની ભૃગુભુમિ શાખાના સંયુકત ઉપક્રમે આયોજીત વર્કશોપમાં કોરોનાની મહામારીના કારણે માનસિક તાણ કેવી રીતે દુર કરવી તે વિષયને સાંકળી લેવાયો હતો. જાણીતા વેલનેસ ટ્રેનર ડૉ. અભિલાષા દ્રિવેદીએ તેમની આગવી શૈલીમાં શારીરીક અને માનસિક તણાવ, ડીપ્રેશન, રીલેશનશીપ મેનેજમેન્ટ, મેદસ્વીપણું, વાલીપણા સહિતના અનેક વિષયો પર પોતાના વિચારો રજુ કર્યા હતાં. તેમના વિશે મહત્વની વાત કરવામાં આવે તો તેમણે વૈદિક વિજ્ઞાનની નવી ટેકનીકસથી ઘણા લોકોના જીવનમાં પરિવર્તન આણ્યું છે. ખાસ કરીને તેમણે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નો અને બાળકોના પુનર્વસનના ક્ષેત્રમાં અનેક સંસ્થાઓ સાથે કામ કર્યું છે.
આવા વિશેષ વ્યકતિત્વના માલકિન એવા ડૉ. અભિલાષા દ્રિવેદીએ જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલના શિક્ષકોને તાલીમ આપી તેમને માનસિક રીતે હળવાફુલ બનાવી દીધાં હતાં.અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષથી કોરોનાની મહામારીના કારણે શિક્ષણની આખી પધ્ધતિ બદલાઇ ચુકી હોવાથી વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓ અને શિક્ષકો પણ તાણ અનુભવી રહયાં છે ત્યારે આ વર્કશોપ શિક્ષકો માટે ખુબ મહત્વનો રહયો હતો. વર્કશોપના ઉદઘાટન સમારંભમાં શાળાના ટ્રસ્ટી યોગેશ પારીક, કેમ્પસ ડીરેકટર સુષ્મા ભટ્ટ, ભારત વિકાસ પરિષદના રણજીતભાઇ ચૌધરી સહિતના મહેમાનો હાજર રહયાં હતાં.
અત્રે નોંધવું રહયું કે, ભારત વિકાસ પરિષદ એક સેવાભાવી સંસ્થા છે અને તેને ભુગુભુમિ શાખા વિવિધ કાર્યક્રમોના આયોજનો થકી જન જન સુધી પહોંચી તેમની જરૂરીયાતો પુર્ણ કરવા તથા લોકોને વિવિધ વિષયોની તાલીમ આપવાની કટીબધ્ધતા સાથે સરાહનીય કામગીરી કરી રહી છે. કોરોનાની મહામારીમાં થોડા દિવસો પહેલાં જય અંબે ઇન્ટરનેશનલ શાળામાં સંસ્થા તરફથી પ્રાથમિક ચિકિત્સા શિબિર યોજવામાં આવી હતી. જેનો ભરૂચ શહેર તેમજ જિલ્લાના પત્રકારોએ લાભ લીધો હતો. આગામી દિવસોમાં પણ જનહિતાર્થે કાર્યક્રમો તથા શિબિર યોજવા માટે સંસ્થાના હોદ્દેદારો અને સભ્યો ઉત્સાહિત છે