ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલી વેલસ્પન કંપનીના કર્મચારીઓનું આંદોલન આગળ ધપી રહયું છે. નંદેલાવ સહિત આસપાસના 70 ગામના લોકોએ કર્મચારીઓના આંદોલનને ટેકો જાહેર કર્યો છે.
ભરૂચ જિલ્લાની દહેજ જીઆઇડીસીમાં આવેલી વેલસ્પન કંપનીએ તેના 400 જેટલા કર્મચારીઓના બદલીના ઓર્ડર કર્યા છે. આ કર્મચારીઓને અંજાર, ભોપાલ તેમજ અન્ય સ્થળોએ આવેલાં કંપનીના પ્લાન્ટમાં બદલી કરી દેવામાં આવી છે. આ કર્મચારીઓ છેલ્લા બે મહિના ઉપરાંતથી આંદોલન ચલાવી રહયાં છે. કંપની મેનેજમેન્ટ અને કર્મચારીઓ બંનેમાંથી એક પણ ઝુકવા તૈયાર નહિ હોવાથી મામલો પેચીદો બની રહયો છે. ભરૂચ જિલ્લાના નંદેલાવ સહિતના 70 ગામના સરપંચોએ કર્મચારીઓના આંદોલનને ટેકો આપ્યો હોવાનો દાવો કર્યો છે.
વેલસ્પન કંપનીના કર્મચારીઓના આંદોલનમાં કોંગી અગ્રણી સુલેમાન પટેલ પણ સામેલ થયાં છે. તેમણે જણાવ્યું હતું કે, કર્મચારીઓની બદલી કરી તેમને રાજીનામુ આપી દેવા માટે મજબુર કરવામાં આવ્યાં છે. ભરૂચના સ્થાનિક યુવાનો સાથે અન્યાય થશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.