ભરૂચને સ્માર્ટ સિટીનો દરજ્જો આપવા અને ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ આપવાની માંગ સાથે ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, ઔદ્યોગિક ક્ષેત્રે ભરૂચ જિલ્લો વૈશ્વિક ઓળખ ધરાવે છે, ત્યારે શહેરમાં પ્રાથમિક સુવિધાઓની જરૂર છે. આરોગ્ય લક્ષી, પાર્કિંગ, પબ્લિક ટ્રાન્સપોર્ટ, ગગનચુંબી ઈમારતોનું સંચાલન, સ્માર્ટ ઈમારતોનું નિર્માણ, કુદરતી આફતો માટે મોટા પ્રયાસો શરૂ કરવા જરૂરી છે. આધુનિક ટેક્નોલોજી અપનાવી વધુ વિકાસ કરવા માટે ભરૂચ શહેરને સ્માર્ટ સિટી તરીકે જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ભરૂચ જીલ્લામાં 8 મોટી ઔદ્યોગિક વસાહતો છે. અને તેવામાં પણ ભવિષ્યમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચૈન્નાઈને જોડતો ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર ભરૂચ જિલ્લામાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે જીલ્લામાં ઉદ્યોગકારો, વેપારીઓ તેમજ વિકાસને હરણફાળ રીતે આગળ વધી રહેલ જિલ્લાને ધ્યાનમાં રાખી ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.