ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં ગતરોજ વરસેલા ભારે પવન સાથેના વરસાદના કારણે અનેક સ્થળોએ વૃક્ષ ધરાશાયી થવાના બનાવો બન્યા હતા, ત્યારે જંબુસર તાલુકાના કાવી પોલીસે માર્ગ પર ધરાશાયી ઘટાદાર વૃક્ષોને હટાવી માર્ગ પરના વાહન વ્યવહારને પૂર્વવત કરવા સાથે સરાહનીય કામગીરી કરી બતાવી હતી.
સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર વિવિધ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો, ત્યારે ભરૂચ જિલ્લામાં પણ ગતરોજ ભારે પવન ફૂંકાયો હતો. ભારે પવનના કારણે જંબુસર તાલુકાના કારી ગામમાં ઠેર ઠેર રસ્તા ઉપર વૃક્ષ ધરાશાયી થવાના બનાવો બન્યા હતા. જેના કારણે માર્ગ પરનો વાહન વ્યવહાર ખોરવાયો હતો. વાહન વ્યવહાર ખોરવાતા કાવી પોલીસ મથકના PSI વૈશાલી આહીર સહિતના પોલીસ કર્મીઓએ સ્વયં આવી માર્ગ પર ધરાશાહી થયેલા વૃક્ષોને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. આ સાથે જ માર્ગ પરથી ધારાશાયી વૃક્ષો દૂર કરી માર્ગ પરના વાહન વ્યવહારને પૂર્વવત કરાવ્યો હતો, ત્યારે કાવી પોલીસની સરહનીય કામગીરીની ઠેર ઠેર લોકોએ પ્રશંસા કરી છે.