ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઉદ્યોગ મંડળના વર્ષ 2023-24ની જનરલ કેટેગરીની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આજરોજ AIA ખાતે 8 બેઠકોના ઉમેદવારો માટે મતદાન પ્રક્રિયા યોજાય હતી.
અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી માટે જનરલ કેટેગરીની 8 બેઠક ઉપર 16 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. તો રિઝર્વ કેટેગરીની એક બેઠક માટે 3 ઉમેદવાર મેદાનમાં આવ્યા છે, જ્યારે કોર્પોરેટ કેટેગરીની એક બેઠક માટે એક જ ઉમેદવારે ફોર્મ ભર્યું છે. 3 ફોર્મ રદ થયા બાદ તા. 13 જૂનના રોજ 30 પૈકી હવે 16 ઉમેદવાર બચ્યા છે, ઉલ્લેખનીય છે કે, 1250થી વધુ મતદારો ધરાવતા AIAમાં છેલ્લા 9 વર્ષથી સહયોગ પેનલ સત્તારૂઢ છે. જેમાં અગાઉ 3 વર્ષ ચૂંટણી બિન હરીફ રહ્યા બાદ ગત વર્ષે 5 વ્યક્તિ જનરલ કેટેગરીમાં ઉભા રહેતા ચૂંટણીનો જંગ જામ્યો હતો. તો આ વર્ષે જનરલ કેટેગરીમાં સત્તાપક્ષની સહયોગ પેનલના 8 ઉમેદવારો સામે બીજી પેનલના 8 ઉમેદવારો રહ્યા છે. જેથી આ વખતે વિકાસ અને સહયોગ પેનલના 8-8 સભ્યો મળી કુલ 16 સભ્યોએ આમને સામને ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે, ત્યારે કંઇ પેનલના કેટલા ઉમેદવારો ઉદ્યોગ મંડળમાં સ્થાન મેળવશે અને કેટલા ઉમેદવારોને નિરાશા વેઠવી પડશે તેના પર ઉદ્યોગપતિઓ મીટ માંડીને બેઠા છે.