Connect Gujarat
ભરૂચ

'વ્હાલુડીના વિવાહ' : ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે માલધારી સમાજની 11 દીકરીઓના સમૂહ લગ્ન યોજાયા...

ભરવાડ સમાજે પોતાનું નવું બંધારણ તૈયાર કર્યું છે. જેમાં લગ્ન પ્રસંગમાં કોઈપણ જાતની પહેરામણી લેવી નહીં કે, આપવી નહીં.

X

ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ સ્થિત રાજપૂત છાત્રાલય ખાતે દીકરીની વેદના ગ્રુપ દ્વારા પ્રથમ 'વ્હાલુડીના વિવાહ' સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માલધારી સમાજના 11 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યાં છે. ભરવાડ સમાજમાં દિવસેને દિવસે કુરિવાજો વધતા જાય છે, ત્યારે તેને ડામવા માટે દીકરીની વેદના ગ્રુપ દ્વારા મહામુહિમ ઉપાડી લેવામાં આવી છે. ભરવાડ સમાજે પોતાનું નવું બંધારણ તૈયાર કર્યું છે. જેમાં લગ્ન પ્રસંગમાં કોઈપણ જાતની પહેરામણી લેવી નહીં કે, આપવી નહીં.

ઉપરાંત કોઈપણ પ્રકારની રોકડ રકમની લેતીદેતી કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. સોનાના ભાવ દિવસેને દિવસે વધી રહ્યાં છે, તેવામાં સામાન્ય પરિવાર અને મધ્યમ વર્ગના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કારણ કે, સમાજની સાથે સાથે ચાલવા માટે લગ્ન પ્રસંગ કે, પછી કેટલાક સામાજીક પ્રસંગોમાં સોના અને ચાંદી આપવાનો રિવાજ છે. તે માટે દીકરી ની વિદાય ગ્રુપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવા આવ્યું હતું. આ સમુહ લગ્નમાં કુલ 11 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યાં છે.

આ સાથે જ ભરવાડ સમાજને નિરુબેન ભરવાડ દ્વારા સંદેશો આપવા આવ્યો હતો કે, આગળ પણ જો ભરવાડ સમાજમાં કોઈ મધ્યમ વર્ગ તેમજ જરુરિયાતમંદ જણાશે તો એવા લોકોની દીકરીની વેદના ગ્રુપ દ્વારા મદદ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, તવરા ગામના સામાજિક અગ્રણી ઇન્દ્રસિંહ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story