અમર થવું હોય તો અંગદાન કરો..! મરતા મરતા પણ ભરૂચ-વાલિયાના મોતીપરાનો યુવક 8 લોકોને જીવાડતો ગયો...

New Update
અમર થવું હોય તો અંગદાન કરો..! મરતા મરતા પણ ભરૂચ-વાલિયાના મોતીપરાનો યુવક 8 લોકોને જીવાડતો ગયો...

જયાબેન મોદી હોસ્પિટલ ખાતે સૌપ્રથમવાર થયું અંગદાન

વાલિયાના મોતીપરા ગામનો યુવાન થયો હતો બ્રેઇન ડેડ

કિડની, ફેંફસા, હ્રદય અને લીવરનું કરવામાં આવ્યું અંગદાન

અંગો અમદાવાદની સિમ્સ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા

બ્રેઇન ડેડ યુવકના અંગો જરૂરિયાતમંદોને નવજીવન આપશે

ભરૂચ જીલ્લામાં સૌપ્રથમવાર હ્રદય સહિત 5 જેટલા અંગોનું અંગદાન કરવામાં આવ્યું છે. વાલિયા તાલુકાના મોતીપરા ગામનો 33 વર્ષીય યુવાન યોગેશ રમણભાઈ વસાવા ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. જે ગત તા. 20 નવેમ્બર 2023ના રોજ અંકલેશ્વરના ગોપાલનગર-ગાર્ડન સિટી નજીક સવારે બાઇક સવારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. જે બાદ યોગેશ વસાવા માર પડવાની બીકે ઘટના સ્થળેથી ભાગવા જતાં નજીકમાં આવેલી શિવદર્શન સોસાયટીની દીવાલ કૂદતી વેળા આશરે 20 ફૂટ ઊંડામાં ખાડામાં પડ્યો હતો. જેના કારણે યોગેશ વસાવાને માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા 108 એમ્બ્યુલન્સ દ્વારા અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ICU વિભાગમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો,

જ્યાં ટૂંકી સારવાર બાદ તબીબોએ યોગેશ વસાવાને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો. તેવામાં ગુજરાતમાં અંગદાન મામલે સતત સક્રિય રહેતી તબીબી ટીમ સાથે સંકળાયેલ સુરતની ડોનેટ લાઈફ સંસ્થાના પ્રમુખ ડૉ. નિલેશ કાછડિયાએ રૂબરૂ આવી બ્રેઇન ડેડ યોગેશ વસાવાના પરિજનોને અંગદાન અંગે માહિતી આપી હતી કે, બ્રેઇન ડેડ જાહેર થયા બાદ શક્ય તેટલા જલદી અંગદાન થઈ જાય તે સારું રહે છે. જેમાં વ્યક્તિ આંતરિક અને બાહ્ય અંગોનું દાન કરી શકે છે, ત્યારે બ્રેઇન ડેડ યુવક યોગેશ વસાવાના પિતા રમણભાઈ વસાવા સહિતના પરિવારે અંગદાન અંગે સંમતી દર્શાવી હતી. જેમાં બ્રેઇન ડેડ યુવક યોગેશ વસાવાનું હ્રદય સહિત 5 જેટલા અંગોનું અંગદાન કરવામાં આવ્યું હતું. જયાબેન મોદી હોસ્પિટલ ખાતે નિષ્ણાત તબીબો દ્વારા બ્રેઇન ડેડ યુવકની કિડની, ફેંફસા, હ્રદય અને લીવરનું દાન મેળવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એમ્બ્યુલન્સ મારફતે સુરત અને ત્યાંથી બાય એર અમદાવાદની સિમ્સ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા. અંગદાન એજ મહાદાનના સૂત્રને સાર્થક કરતાં પરિવારના નિર્ણયથી યોગેશ વસાવાના મૃત્યુ પછી પણ તેમના અંગો જરૂરિયાતમંદોને નવજીવન આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અંગદાન ક્ષેત્રે સતત સાતત્યપૂર્ણ પ્રયત્ન અને પ્રવૃતિના કારણે લોકોમાં જાગૃતિ આવી રહી છે. તેવામાં બ્રેઇન ડેડ યુવક યોગેશ વસાવાના પરિવાર દ્વારા લેવામાં આવેલ ઈશ્વરીય નિર્ણય બદલ લોકોએ પરિવારના કાર્યની સરાહના કરી હતી.

Latest Stories