Connect Gujarat
ભરૂચ

ભરૂચ-અંકલેશ્વરમાં પતંગ-દોરા-ચશ્માની ખરીદી સાથે જ ઊંધિયાનો સ્વાદ માણવા શાકભાજી બજારોમાં ઉમટી ભીડ...

પતંગ રસીકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે પતંગ-દોરા અને ચશ્માની ખરીદી સાથે જ ઊંધિયાનો સ્વાદ માણવા શાકભાજી બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી

X

ભરૂચ શહેર તથા જિલ્લામાં ઉતરાયણ પર્વને લઈને પતંગ રસીકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે પતંગ-દોરા અને ચશ્માની ખરીદી સાથે જ ઊંધિયાનો સ્વાદ માણવા શાકભાજી બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ઉતરાયણ પર્વ મનાવવા માટે ભરૂચ શહેર તથા જીલ્લાવાસીઓ ખૂબ ઉત્સુક જોવા મળી રહ્યા છે. આ વખતે ઉત્તરાયણનો તહેવાર 2 દિવસ મનાવી શકાય તેવો સમય હોય, જેથી શનિવારે ઉતરાયણ પર્વની રજા અને રવિવારે જાહેર રજા હોવાથી પતંગ રસીકોમાં ઉત્સાહ છવાયો છે. પતંગ દોરીની સાથે પતંગ ચગાવતી વખતે આંખને તકલીફ ન થાય અને સૂર્યના કિરણો વચ્ચે પણ પતંગ ચગાવી શકાય તે માટે સન ગ્લાસીસ એટલે કે, ચશ્માની માંગ પણ વધુ જોવા મળી રહી છે. જેમાં રૂપિયા ૩૦થી માંડી ૫૦૦ રૂપિયા સુધીના સનગ્લાસીસનું ધૂમ વેચાણ જોવા મળ્યું હતું. સવારથી જ ભરૂચના બજારોમાં વિવિધ સામગ્રી ખરીદીમાં બજારોમાં પણ રોનક જોવા મળી હતી.

ઉત્તરાયણ પર્વ નજીક આવતા જ પર્વને અનુરૂપ ચીજવસ્તુઓનું બજારોમાં આગમન થયું છે. ઉત્તરાયણ પર્વમાં અબાલ-વૃધ્ધ સૌ પતંગ ચગાવવાની મજા મણતા હોય છે, ત્યારે ચાલુ વર્ષે રો-મટીરીયલ તેમજ મજૂરીમાં વધારો થતા પતંગ-દોરીના ભાવમાં ૧૫થી ૨૦ ટકાનો ભાવવધારો નોંધાયો છે. પતંગોના ભાવમાં ધરખમ ભાવવધારો નોંધાતા મધ્યમ વર્ગ માટે પર્વની ઉજવણી કેવી રીતે કરવી તે પ્રશ્ન સામે આવ્યો છે. જોકે, એક વખતે ઉતરાણ શનિવારની હોય અને બીજે દિવસે રવીવારની રજા પણ હોવાથી પતંગ તેમજ દોરીની ધૂમ ખરીદી નીકળશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે.

તો બીજી તરફ, ઉત્તરાયણનો તહેવાર જ્યારે મધ્ય ચરણમાં પહોચે છે, ત્યારે ઊંધિયાની જાયફત વગર આ તહેવાર અધૂરો જ કહેવાય છે. તેવામાં ઉતરાયણના એક દિવસ પૂર્વે અંકલેશ્વરના બજારમાં ઊંધિયા માં વપરાતી શાકભાજીની ખરીદી માટે ઘરાકી નીકળી હતી. જેમાં સુરતી પાપડી, રવૈયા, રતાળું, સુરણ, લીલવા,કાચાં કેળાં અને બટાકા સહિતના અન્ય લીલાં શાકભાજીની ખરીદી માટે ગ્રાહકો બજારમાં ઉમટી પડ્યા હતા. જોકે, શાકભાજીમાં ૨૫થી ૩૦ ટકાનો ઉછાળો પણ જોવા મળ્યો છે. તેમ છતાં ઉતરાયણમાં ચીકીના સ્વાદ સાથે સ્વાદિષ્ટ ઊંધિયું પણ લોકોને તહેવારની મજામાં ઇજાફો કરશે.

Next Story