/connect-gujarat/media/post_banners/19adcd52a7f849f72fda1634fb96d9dc5943685b32805d0161290b005f3cdda2.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસના કાર્યો પૂરજોશમાં હાથ ધરવામાં આવ્યા છે, ત્યારે જિલ્લા આયોજનની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ 85% કામ થઈ જતાં અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવાએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
અંકલેશ્વર શહેરની આગવી ઓળખ એવો સુંદર પ્રોજેક્ટ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. પાલિકા દ્વારા શહેરમાં આવેલ ગામ તળાવના બ્યુટીફિકેશન માટે ખાસ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા આયોજન કરાયું છે. જિલ્લા આયોજનની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ કામનું 85% કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટની વાત કરીએ તો, પાલિકા દ્વારા લાઇટિંગ, 3 સિક્યુરિટી ગાર્ડ અને પોણા કિલોમીટરમાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે. તેની આજુબાજુમાં વોક-વે ઉભો કરવામાં આવ્યો છે. સિનિયર સિટીઝનો અને નાના બાળકો માટે ગાર્ડન બનાવવામાં આવ્યું છે. તેમજ નાના બાળકો માટે રમત-ગમતના સાધનો આ ગાર્ડનમાં મૂકવામાં આવશે. સાથે સાથે લોકો કસરત કરી શકે તે માટે પણ અહીં તેઓના જીમના સાધનો મૂકવામાં આવશે. તો અહી એક્યુપ્રેશર વોક વે પણ બનાવવામાં આવશે. એટલું જ નહીં, શહેરીજનોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. આ પ્રોજેક્ટનું આગામી ફેબ્રુઆરીના અંત સુધીમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે, ત્યારે આજરોજ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવાએ સ્થળ નિરીક્ષણ કરી વિકાસ કાર્યની સમીક્ષા કરી હતી.