Connect Gujarat
ભરૂચ

લગ્નનો ઉત્સાહ માતમમાં ફેરવાયો, ભરૂચના અણખી ગામે લગ્નમાં આવેલ મહિલા પર દીવાલ મોત બનીને ત્રાટકી

દિવાલ ધરાશાયી થતાં લગ્નપ્રસંગમાં આવેલ એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે 2 યુવતીને નાની મોટી ઇજા પહોચતા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી

લગ્નનો ઉત્સાહ માતમમાં ફેરવાયો, ભરૂચના અણખી ગામે લગ્નમાં આવેલ મહિલા પર દીવાલ મોત બનીને ત્રાટકી
X

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના અણખી ગામે મકાનની દિવાલ ધરાશાયી થતાં લગ્નપ્રસંગમાં આવેલ એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે 2 યુવતીને નાની મોટી ઇજા પહોચતા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના અણખી ગામે રહેતા વિનુ પટેલના ઘરે દીકરાના લગ્નપ્રસંગનો માહોલ હતો, ત્યારે ગત સાંજના સમયે વળધ ભરવાની વિધિ માટે પરિવારજનો અને સગા-સંબંધીઓ સાથે ગામની ગલીઓમાં ડીજે સાથે નીકળ્યા હતા. આ દરમ્યાન સાંકળી ગલીમાં ટેમ્પો આગળ પાછળ કરતાં મકાનની દીવાલ સાથે ભટકાયો હતો.

જેના કારણે મકાનની દિવાલ ધ્રુજારી સાથે ધરાશાયી થઈ હતી. જેમાં નજીક ઉભેલા ટોળા ઉપર દીવાલ ધરાશાયી થતાં કેટલાક લોકોને ઇજા પહોચી હતી, ત્યારે ઈજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર અર્થે જંબુસરની અલ મહેમુદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન વરરાજાની માસીનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે 2 યુવતીને હાલ સારવાર હેઠળ રાખવામાં આવી છે. બનાવના પગલે પોલીસે અકસ્માતે એક મહિલાનું મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Next Story