મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની સજા ઉપર રોક લગાવવાના સુપ્રિમ કોર્ટના આદેશના પગલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીનું સાંસદ પદ છીનવી લેનાર 'મોદી સરનેમ' માનહાનિ કેસમાં 2 વર્ષની સજા પર રોક લગાવી છે. સુપ્રીમ કોર્ટના આ હુકમના પગલે ભરૂચ સહિત સમગ્ર દેશના કોંગીજનોમાં ઉત્સાહનો સંચાર થયો હતો.
જેના પગલે ભરૂચના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉત્સાહભર્યા માહોલમાં કોંગીજનો દ્વારા આતશબાજી સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી વેળા કોંગ્રેસના આગેવાન રાજેન્દ્રસિંહ રણા, સંદીપ માંગરોલા, ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ હરીશ પરમાર, પાલિકા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોએ ઉપસ્થિત રહી સત્યનો વિજય થયો હોવાનું જણાવ્યુ હતું.