/connect-gujarat/media/post_banners/4744dfd2df798853dafd3e4d6c5628c8eb7fa18f8898e6b05762ffa6bd9d7eda.jpg)
ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર શહેરનું નામ જેના નામ પરથી પડ્યું છે, ત્યારે અહી ભક્તોની અંતરની ઇચ્છા પૂર્ણ કરનારા દેવોના દેવ અંતરનાથ મહાદેવ ભકતોની આસ્થાનું અનેરું કેન્દ્ર છે.
લોકોના અંતર એટલે કે, મનની ઇચ્છા પૂરી કરનારા દેવોના દેવ શ્રી અંતરનાથ મહાદેવનું મંદિર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં આવેલું છે. અંક્લેશ્વર શહેરનું નામ અંતરનાથ મહાદેવના નામથી જ રાખવામાં આવ્યું હોવાની લોકવાયકા રહેલી છે. એટલું જ નહીં, અંતરનાથ શિવાલયની જમીન દિવ્ય અને પવિત્ર માનવામાં છે. આ મંદિરમાં મહાદેવનું શિવલિંગ દોઢ હાથ ઊચું અને મોટું છે. શિવલિંગ પર ભક્તો દ્વારા બિલિપત્ર, પુષ્પો ધરાવવામાં આવે છે. અંતરનાથ મહાદેવ સાથે પૌરાણિક ઇતિહાસ સંકળાયેલો છે. પૌરાણિક કથા અનુસાર, શિવભક્ત રાવણે માતા સીતાજીનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેઓ સીતા માતાજીને લંકામાં લઇ ગયા. તે સમયે રાવણના અનુજ કુંભકર્ણના પૌત્ર અંકુરે રાવણને ઠપકો આપ્યો હતો કે, તમે આ ખોટું કાર્ય કર્યું છે, ત્યારે ઠપકો રાવણથી સહન થયો નહીં. અભિમાની તથા ક્રોધિત બનેલ રાવણે અંકુરને દેશનિકાલ આપ્યો. દેશનિકાલ બાદ અંકુરે પોતાના પુરોહિતને મહાદેવજીની ભક્તિ કરવા માટે યોગ્ય પવિત્ર સ્થળની પસંદગી અંગે પુછ્યુ, ત્યારે પુરોહિતે ઘણો વિચાર કર્યા બાદ નર્મદા તટના દક્ષિણ કિનારે આવેલા સ્થળને પવિત્ર ગણાવ્યો હતો. અંકુરે પુરોહિતની આજ્ઞા માની નર્મદા તટના દક્ષિણ કિનારે આવી ભગવાન શિવજીનું તપ કર્યું હતું. પરિણામે ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા, અને અંકુરને વરદાન માંગવા કહ્યુ. અંકુરે અમરત્વનું વરદાન માંગ્યુ, ત્યારે મહાદેવજીએ કહ્યુ કે, અમરત્વનું વરદાન મૃત્યુ લોકમાં કોઈને મળતું નથી. માટે હું તારા નામની સંજ્ઞાથી અહીં અમર રહીશ અને તું અમરત્વ પામીશ. એવું વરદાન આપી શિવજી અંતર્ધ્યાન થયા હતા. અંકુરે પોતાના ઇષ્ટદેવ શિવજીની સ્થાપના કરી. અંકુર દ્વારા પૂજિત શિવલિંગ પર કાળક્રમે નગરજનોએ ભક્તિથી પ્રેરિત થઇ મંદિર બાંધ્યું, અને અંકુરના નામથી અંકુરેશ્વર મહાદેવ તરીકે નામના મેળવી. પ્રથમ ત્રેતાયુગમાં શિવજીની આરાધનામાં તત્પર એવા કુંભકર્ણનો પૌત્ર અંકુર નામે રાક્ષસ તપોસિદ્ધ થયો. આ અંગેનો વાયુપુરાણ રેવાખંડ અધ્યાય 168માં પણ ઉલ્લેખ કરાયો છે. મુગલોના સમયે અહીં મહંમદ ગઝની અને મહંમદ બેગડાએ હુમલો કર્યો હતો. ભમરાના રૂપે ભગવાન પ્રસન્ન થયા અને તેઓને અહીંથી ભાગવું પડ્યું હતું. જોકે, તેના નિશાન આજે પણ હયાત છે. અંતરનાથ મહાદેવ મંદિર ભક્તોની આસ્થાનું અનેરું કેન્દ્ર બન્યું છે. એટલું જ નહીં, અહીં લોકોની મનોકામના પૂર્ણ થતી હોવાની પણ માન્યતા છે. શ્રાવણ મહિનો, મહાશિવરાત્રી હોય કે, સોમવાર અહીં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે.