અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે આવેલી પ્રમુખ પાર્કમાં રહેતાં પવાર પરિવારના ઘરે માતમનો માહોલ છે. અતિ જટિલ ગણાણી એસએમએ બિમારીથી પીડાતા પાર્થ પવારે આખરે દમ તોડી દીધો છે. અંકલેશ્વરની પ્રમુખપાર્ક સોસાયટીમાં રહેતાં ત્રણ મહિનાના પાર્થ પવારને એસએમએની બિમારી હોવાનું નિદાન થયું હતું. રોજીરોટી કમાવવા માટે મૂળ ધુલિયાના જુગલ પવાર અંકલેશ્વર ખાતે આવીને વસ્યાં છે. આ હસતા ખેલતા પરિવારમાં ખુશીઓની શરૂઆત થઇ હતી અને તેમના ઘરે પાર્થનો જન્મ થયો હતો. પાર્થની તબિયત સતત લથડતી હોવાથી તેનું નિદાન કરાવવામાં આવ્યું ત્યારે તેને એસએમએ નામની બિમારી હોવાનું બહાર આવ્યું હતું.
પાર્થનો જીવ બચાવવા માટે તબીબોએ 16 કરોડ રૂપિયાના ઇન્જેકશનની જરૂરીયાત હોવાનું જણાવ્યું.. બસ પાર્થનો જીવ બચાવવા માટે પરિવાર દોડધામ કરવા લાગ્યો.. મધ્યમવર્ગીય પરિવાર માટે 16 કરોડ રૂપિયા એક સ્વપ્ન સમાન હતાં પણ મહીસાગરના ધૈર્યરાજસિંહને દાતાઓએ 16 કરોડ રૂપિયા ભેગા કરી આપ્યાં હોવાથી પવાર પરિવારને પણ એક આશા હતી. પણ તેમની આશા ઠગારી નીવડી છે... લાંબા સમયની સારવાર બાદ પાર્થ હવે આ દુનિયામાં નથી રહયો.. તે બસ માત્ર યાદો અને માતા પિતા તથા પરિવારને વલોપાત કરતો છોડી ગયો છે.
એસએમએ બિમારીથી પીડાતાં ધૈર્યરાજસિંહને 16 કરોડ રૂપિયાની આર્થિક મદદ મળતાં તેને નવજીવન મળ્યું છે જયારે 16 કરોડ રૂપિયાની રકમ એકત્ર થાય તે પહેલાં ગીરસોમનાથના વિવાનનો જીવ ચાલ્યો ગયો હવે આ યાદીમાં પાર્થ પવારનું નામ ઉમેરાયું છે. પાર્થ પવાર માટે 16 કરોડ રૂપિયા ભેગા થાય તે માટે અનેક સેવાભાવી લોકો અને સંસ્થાઓ આગળ આવ્યાં હતાં પણ પાર્થનો જીવ બચાવી શકાયો નથી. 120 કરોડથી વધુ લોકોની વસતી વાળા દેશમાં 16 કરોડ રૂપિયા ભેગા ન થવા એ કમનસીબ બાબત છે. બીજી તરફ ભારત મહાસત્તા બનવાની દિશામાં પ્રયાણ કરી રહયું છે ત્યારે એક ઇન્જેકશનનું ઉત્પાદન ઘરઆંગણે ન થઇ શકે તે સત્તાધીશો માટે વિચારવાની બાબત છે. ખેર હવે આશા રાખીએ કે આટલી બધી વસતી ધરાવતાં દેશમાં દાનના અભાવે અન્ય કોઇ વિવાન કે પાર્થ જીંદગી સામેનો જંગ ન હારી જાય.