/connect-gujarat/media/post_banners/d885d9da7f215316955ec5c2cbae438a17e910e56e086e00c9e56bb043e03a44.jpg)
ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી અને ભરૂચ વિધાનસભાના 43 કાર્યકરોએ સામૂહિક રાજીનામું ધરી દેતા રાજકારણ ફરી ગરમાયું છે.
લોકસભાની ચૂંટણીના પડઘમ વાગતા જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે, અને ભાજપમાં જોડાવાની અટકળો છે. તો બીજી તરફ, ડેડીયાપાડાના ધારાસભ્ય સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ તેઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું, ત્યારે AAPની નાવડીમાં સવાર ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી અને ભરૂચ વિધાનસભાના 43 જેટલા કાર્યકરોએ સામૂહિક રાજીનામાં ધરી દીધા છે. હોદ્દેદારોએ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અને માઈનોરીટી પ્રદેશ પ્રમુખ અમજદ પઠાણને રાજીનામાં આપી પોતાની નારાજગી દર્શાવી હતી. એક સાથે 43 કાર્યકરોએ રાજીનામાં ધરી દેતા ભરૂચમાં ફરી રાજકારણ ગરમાયું છે. અત્રે ઊલેખનીય છે કે, તાજેતરમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ ઉર્વી પટેલે પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું હતું. જે બાદ તેઓના સમર્થનમાં વધુ કાર્યકરો પાર્ટી છોડી રહ્યા હોવાનું પણ અંતરંગ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. સમગ્ર મામલે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું હતું કે, જે કાર્યકરોએ રાજીનામા આપ્યા છે, તેઓ વિધાનસભાની ચૂંટણી બાદ પક્ષમાં સક્રિય હતા જ નહીં. જેથી તેઓને નવા સંગઠનમાં સ્થાન ન અપાતા તેઓએ પાર્ટીના લેટરપેડનો દુરૂપયોગ કરી આ કૃત્ય કર્યું છે. જે બાબતની જાણ અમે પ્રદેશ કક્ષાએ કરી છે, અને આગામી દિવસોમાં તે અંગેની યોગ્ય કાર્યવાહી પણ હાથ ધરીશું.AAPના લેટરપેડ પર 43 કાર્યકરોના રાજીનામા, જિલ્લા પ્રમુખે કહ્યું : આ લોકો ચૂંટણી બાદ નિષ્ક્રિય હતા..!