Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નગરપાલિકાનું સફાઈ અભિયાન બન્યું માત્ર “ફોટો સેશન”, ઠેર ઠેર જોવા મળ્યા કચરા-ગંદકીના ઢગ..!

“માય લીવેબલ ભરૂચ”ની સરેઆમ હાંસી ઉડાવતી ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ સહિત વિવિધ વિસ્તારોમાં કચરાના ઢગ જામતા શહેરીજનોમાં રોષ

X

વિવિધ વિસ્તારોમાં ગંદકી - કચરાના ઢગલા જોવા મળ્યા

ડોર-ટુ-ડોર સર્વિસવાળા હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ઠાલવે છે કચરો

સફાઈ અભિયાનની મોટી મોટી વાતોમાં માત્ર “ફોટો સેશન”

ઠેર ઠેર કચરાના ઢગલા જામતા લોકોમાં રોષ જોવા મળ્યો

ભરૂચ જિલ્લા કલેક્ટરના ડ્રીમ પ્રોજેક્ટ “માય લીવેબલ ભરૂચ”ની સરેઆમ હાંસી ઉડાવતી ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ સહિત વિવિધ વિસ્તારોમાં કચરાના ઢગ જામતા શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનને સતત વેગ મળી રહ્યો છે. આ અભિયાન થકી ઠેર ઠેર સ્વચ્છતાના પાઠ ભણી રાજકારણીઓ હોય કે, નેતા કે, પછી પાલિકાના સત્તાધીશો કે, સભ્યો... તમામ લોકો સફાઈ અભિયાનમાં જોડાય માત્રને માત્ર ફોટો સેશન કરાવી રહ્યા હોય તે તમને ભરૂચ શહેરના આ દ્રશ્યો પરથી જોવા મળ્યું હશે...

તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, તે ભરૂચ નગરપાલિકાની હદમાં જ આવેલ વિવિધ વિસ્તારોના છે, જ્યાં કચરાના ઢગલા અને ખદબદતી ગંદકી જાણે રોગચાળાને આમંત્રણ આપી રહ્યા હોય તેમ જણાય રહ્યું છે. દર્શક મિત્રો ભરૂચ શહેરની મધ્યમાં આવેલું હોસ્ટેલ ગ્રાઉન્ડ જ પાલિકાનો ઉકરડો બન્યું છે, જ્યાં ડોર-ટુ-ડોર સર્વિસના વાહનો આવી હોસ્ટેલ ગ્રાઉન્ડ પર જ કરે છે પ્રોસેસિંગ પ્રક્રિયા... પ્રોસેસિંગ પ્રક્રિયા એટલા માટે કહેવું રહ્યું... કારણ કે, શહેરભરમાંથી ઉઘરાવેલા કચરામાંથી પ્લાસ્ટિક બોટલ સહિતની વસ્તુનું “સ્ટોરેજ ગોડાઉન” આ હોસ્ટેલ ગ્રાઉન્ડ બન્યું છે.

તો બીજી તરફ, સીટી સર્વેની ઓફિસ, નવી વસાહત, સિદ્ધનાથ નગરમાં આવેલ આંગણવાડી કેન્દ્ર અને પ્રાથમિક શાળા નજીક માર્ગ ઉપર પણ કચરાના ઢગ જોવા મળ્યા છે. શહેરભરમાં ઉભરાયેલી કચરા પેટીઓ અને રોડ પર ગંદકી તેમજ કચરો જાણે સફાઈ અભિયાનની મોટી મોટી વાતોને ચાડી ખાતો હોય તેમ લોકમુખે ચર્ચાય રહ્યું છે. જોકે, હવે ભરૂચ નગરપાલિકા દ્વારા લોકોની આંખોમાં કચરાની ધૂળ જ ઝોંખી રાખવી છે કે, પછી સ્વચ્છ ભારત મિશનને વ્યાપક પ્રતિસાદ આપવો છે, તે તો હવે આવનારો સમય જ બતાવશે..!

Next Story