-
છેડતીની આશંકાએ લોકોના ટોળા ઉમટ્યા
-
બે થી ત્રણ વાહનોમાં તોડફોડ કરી આક્રોશ ઠાલવ્યો
-
ઘોઘા રોડ પોલીસ મથકે લોકોના ધાડેધાડા ઉમટ્યા
-
આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ
-
પોલીસે કાફલો ઉતારી પરિસ્થિતિ થાળે પાડી
ભાવનગરના શાંત ગણાતા સરદારનગર વિસ્તારમાં એક બાઈક સવાર દ્વારા છેડતી કરવામાં આવી હોવાની વાત વાયુવેગે ફેલાતા સ્થાનિકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા. જોતજોતામાં મામલો બિચક્યો હતો અને લોકોએ વાહનોમાં તોડફોડ પણ કરી હતી.
ભાવનગરનું સરદારનગર ગઈકાલે મોડી રાત્રે રણમેદાનમાં ફેરવાયું હતું. મળતી માહિતી મુજબ, એક બાઈક ચાલકે છેડતી કરી હોવાની ચર્ચાને પગલે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ આ વિસ્તારમાં પાર્ક કરેલા બે થી ત્રણ વાહનોને નિશાન બનાવી તેમાં નુકસાન પહોંચાડ્યું હતું. મોટી સંખ્યામાં લોકો ઘોઘા રોડ પોલીસ મથકે પહોંચ્યા હતા અને આરોપી સામે તાત્કાલિક ફરિયાદ નોંધી કડક પગલાં લેવાની માંગ કરી હતી. પોલીસ મથક બહાર લાંબા સમય સુધી લોકોના ટોળા જામ્યા હતા.
પરિસ્થિતિ ગંભીર બનતા જ પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે અને પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો. પોલીસે હળવો બળપ્રયોગ કરી અને સમજાવટથી ટોળાને વિખેર્યું હતું. હાલમાં સરદારનગર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ હાલમાં આ મામલે તપાસ કરી રહી છે કે ખરેખર ઘટના શું હતી અને તોડફોડ કરનારા તત્વો કોણ હતા. હાલ પૂરતી શાંતિ છે, પરંતુ સ્થાનિકોમાં હજુ પણ રોષ જોવા મળી રહ્યો છે.
