/connect-gujarat/media/media_files/2025/12/22/rdve-2025-12-22-14-03-15.png)
'અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલ” નાટ્ય પ્રસ્તુતિમાં સરદાર મહાત્મા ગાંધીને કહે છે: હું પદ કે પ્રતિષ્ઠાનો ભૂખ્યો નથી, દેશસેવા એ મારો મહામંત્ર છે. મારા અંતિમ શ્વાસ મારા દેશ માટે જ રહેશે.
શુક્રવાર તારીખ 19 ડિસેમ્બર 2025ના બપોરે 12 કલાકે શ્રી જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ઓડિટોરિયમ માં નાટક જોઈ ગર્વ અનુભવ્યો, ગદગદિત થયો અને જે કાંઈ સ્મૃતિ પટ પર અંકિત થતુ ગયુ એ બ્લોગમાં લખવા મજબૂર બન્યો.
સ્ટેજને ત્રણ ભાગમાં સ્પષ્ટ રીતે વહેંચી નાંખતો સેટ, હેપી સ્ટુડિયો, અમદાવાદએ બનાવ્યો છે. ડાબી, જમણી બાજુ એક સ્ટેપનું પ્લેટફોર્મ અને મધ્યમાં એક સ્ટેપ ચઢો એટલે વિશાળ પ્લેટફોર્મ. સ્ટેજનો પાછલો પડદો વિશાળ કદના બેનરથી સરદાર પટેલની જીવનગાથા જીવંત કરે.
સૂત્રધાર જય મહેતા આરંભથી અંત સુધી સરદાર પટેલના બાલ્યકાળથી અવસાન સુધીની કથા વર્ણવતા જાય એમ એમ નાટકની ટીમના કલાકારો પરફેક્ટ રંગભૂષા (પ્રકાશ અને પ્રતિક) અને વેશભૂષા (રાજવી વાળા) પ્રકાશ આયોજન(કાર્તિક ડોડિયા અને મેહુલ પટેલ) દ્વારા અભિનયના અજવાળા પાથરતા જાય. એવું સહદિગ્દર્શન (પૂજન શાહ, ધ્રુવિકા કોચવાલા, વિશાલ ઠાકોર અને દિગ્દર્શન અક્ષય પટેલ) દર્શકોના કરતલધ્વનિ ઝીલતા જાય.
પહેલું દ્રશ્ય : બાળ વલ્લભ (આર્યન શાહ) બગલમાં ફોલ્લી જેને વૈદ્ય ધગધગતો સળિયો અડાડીને ફોડવાની ના પાડે, આ જાણી વલ્લભ સળીયો ફોલ્લીને અડાડે, એક હરફ પણ ન ઉચ્ચારે જેમાં તનની સાથે મનનું મક્કમ મનોબળના દર્શન કરાવે.
બીજુ દ્રશ્ય : કોર્ટ રૂમમાં વલ્લભભાઈને(અમિત પટેલ) એક તાર મળે.. એ વાંચે થોડી ક્ષણો માટે દલીલ અટકાવે.. સ્વસ્થ બની દલીલ પૂરી કરે અને અસીલ મિસ્ટર દેસાઈને એમની પત્ની કલા દેસાઈનું ખૂન કરવામાંથી બાઈજ્જત નિર્દોષ છોડાવે. કોર્ટ રૂમમાં વલ્લભભાઈને અભિનંદન આપતા અન્ય વકીલ(પાર્થ સોલંકી) પૂછે તારમાં શા સમાચાર છે? વલ્લભભાઈ વકીલને તાર આપી કહે લો વાંચી લો... "આપની પત્ની ઝવેરબાનું કામા હોસ્પિટલ,મુંબઈમાં મૃત્યુ થયું છે આપ જલ્દીથી મુંબઈ આવો....." સરદાર કહે એ તો મૃત્યુ પામી છે. એક વકીલની ફરજ છે કે મારા અસીલને ફાંસીની સજા ના થાય એ માટે મેં કર્મને પ્રાધાન્ય આપ્યું છે આ હતી એક નિષ્ઠાવાન વકીલની નિશાની.
બેરિસ્ટરનું ભણવા વિદેશ જવાનું આવ્યું તો વલ્લભને બદલે વિઠ્ઠલભાઈ(સંજય સંઘવી)ને મોકલ્યા. આ હતો વલ્લભભાઈ પટેલનો કુટુંબ પ્રત્યેનો પારાવાર પ્રેમ.
ગાંધીબાપુએ(હર્ષ ખંભાતી) ભરી સભામાં પૂછ્યું.. કોણ ખેડા સત્યાગ્રહની આગેવાની લેશે? વલ્લભભાઈએ તરત ઊભા થઈને મરજી દર્શાવી. બાપુએ કહ્યું વલ્લભ મુંબઈ છોડીને ખેડામાં રહેવાનું..સગવડના બદલે અગવડોમાં ઘેરાઈને સત્યાગ્રહના માપદંડ જાળવવાની તૈયારી બતાવવાની છે.. એમ પૂછતા વલ્લભભાઈએ કહ્યું..બાપુ તમારી પાસેથી જ શીખ્યો છું કે કઠિન લાગતી બાબતોને સરળ કેમ બનાવવી... અને ખેડા સત્યાગ્રહમાં વલ્લભભાઈની આગેવાની રંગ લાવી. સફળતા મળતા વલ્લભભાઈની ચારે તરફ વાહ વાહ થવા લાગી. અમદાવાદના મેયર તરીકે વલ્લભભાઈની પસંદગી થઈ. એમણે ગુજરાતી ભાષામાં પરિપત્ર કાઢવા એવું ફરમાન થયું અને ગુજરાતી ભાષાની અસ્મિતા અને ગરીમા વેંત ઉઠી ઉંચી બની ગઈ.
‘ના કર આંદોલન’ બારડોલીમાં શરૂ થયું અંગ્રેજોની ખેડૂતો પ્રત્યેનો જોરઝુલમ વચ્ચે વલ્લભભાઈ બારડોલી સત્યાગ્રહની કમાન સંભાળી. ‘સુરા જાગશે ડંકો વાગ્યો’ ગીતે આખું સ્ટેજ ધ્રૂજાવ્યું. બાજીપુરા ગામના મુખી મકનજીને બોલાવી વલ્લભભાઈએ કહ્યું વીરચંદ વાણિયો આડો ફાટે છે. એને ગાયબ કરી દો એટલે આંદોલન સફળ બનશે અને વલ્લભભાઈ ફરી એકવાર વલ્લભભાઈ પટેલ હવે ‘સરદાર’ નામે ઓળખાયા.
પ્રાંતિક શાખાની સભામાં જેમને વધારે મત મળે એ સ્વતંત્ર ભારતના વડાપ્રધાન બને પરિણામ આવ્યું. વલ્લભભાઈ પટેલને 12 મત. આચાર્ય કૃપલાણી(આર્યન શાહ)ને 3 મત અને જવાહરલાલ નેહરૂને (નીતિન શાહ) શૂન્ય મત મળ્યા. ગાંધીબાપુએ આચાર્ય કૃપલાણીને કહ્યું કે મારી ઈચ્છા છે કે આપ વડાપ્રધાન તરીકે જવાહરલાલના નામની દરખાસ્ત મૂકો. પછી વલ્લભભાઈને પૂછ્યું ભાઈ તને કંઈ વાંધો છે ? સરદાર વલ્લભભાઈ કહે પદ કે પ્રતિષ્ઠાનો હું ભૂખ્યો નથી. દેશ સેવા એ જ મારો જીવનમંત્ર છે. મારા અંતિમ શ્વાસ દેશ માટે જ હશે.
કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની મીટીંગમાં ભારતના અંતિમ વાઇસરોય લોર્ડ માઉન્ટબેટન (વિશાલ પ્રજાપતિ) 565 રજવાડાને 1947 ઇન્ડિપેન્ડન્સ એકટ ઓફ ઇન્ડિયા હેઠળ આદેશ આપે છે કે જેને ભારતમાં રહેવું એ અહીં રહે, પાકિસ્તાન જવું હોય તો વિના સંકોચે જાય અને જે રજવાડાને પોતાનું રાજ્ય રચવું હોય તે રચી શકશે.
વલ્લભભાઈ પટેલે આ પડકાર ઝીલ્યોને રેડિયો સંદેશ દ્વારા સમગ્ર પ્રજાને અપીલ કરી ત્રણ વિકલ્પમાંથી જેને જે પસંદ કરવો હોય તે કરો, મારો આપને અનુરોધ છે અખંડ ભારતની અખંડતાને તોડશો નહીં સરકાર આપની સલામતી સુરક્ષાની જવાબદારી સ્વીકારે છે.
ત્રણ રાજ્યો આડા ફાટયા. જુનાગઢ, કાશ્મીર અને હૈદરાબાદ. સૌથી પહેલું રાજ્ય ભવનાથ આજનું ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહ ગોહિલે વલ્લભભાઈને રાજ્યમાં બોલાવી સહી સિક્કા કરી આપ્યા. વલ્લભભાઈને રાજા ગોહિલ કહે છે હજુ મારે વધારે કંઈ આપવાનું છે મારી પટરાણીને પિયરથી ગોંડલની ભેટ મળી છે એની મરજી હોય તો એ પણ ભારતમાં ભેળવી દો. વિજય કુંવરબા(ડોલી પંચાલ) સ્ટેજ પર પધારે છે પટરાણી આપની મરજી હોય તો ગોંડલ ભવનાથ સાથે આપી દેવાય? વિજય કુંવરબા કહે છે ‘મહારાજ હાથી આપ્યો છે તો સાથે શણગાર આપવો જોઈએ’ સરદાર આ સાંભળી પટરાણીને નમન કરતા કહે છે આજે મને ખમીરવંતી ભારતીય નારીના દર્શન થયા છે, ધન્યતા અનુભવું છું.
જૂનાગઢના રાજા રીઝવી (દેવલ વ્યાસ) એમની પત્નીને મૂકીને પાકિસ્તાન ભાગી જાય છે. વલ્લભભાઈ જાતે જુનાગઢ જઈ પહેલીવાર પ્રજાનું મતદાન કરાવે છે. લાલ પેટીમાં ભારતમાં રહેવાવાળાએ મત નાખવો, લીલી પેટીમાં પાકિસ્તાન જવા ઈચ્છવાવાળાએ મત નાખવો. મતદાન દિવસે પ્રજા ઉમટી પડી. લાલ કપડા પહેર્યા જેમની પાસે ન હતા તેમને ગુલાલમાં રંગીને પહેર્યા અને જબરજસ્ત મતદાન થયું ભારતમાં રહેવા ઈચ્છતા મત પડ્યા 1,90,778 અને પાકિસ્તાન જવા ઈચ્છાની મત પેટીમાંથી માત્ર 51 મત નીકળ્યા.
હૈદરાબાદમાં પ્રજાને ભારતમાં રહેવા માટે સમજાવવા માટે ક.મા.મુનશી પર કળશ ઢોળાયો. મુનશીએ લશ્કરની મદદ માગી અને પ્રજાને જે પરિબળો જબરજસ્તીથી પાકિસ્તાન લઈ જવા માંગતા હતા તેમાંથી તેમને બચાવી લેવાઈ. આ હતી સરદારની પ્રશ્ન ઉકેલવાની નિર્ણય શક્તિ.
વલ્લભભાઈને ખબર પડી કે એમના દીકરા ડાહ્યાભાઈ(સંજય સંઘવી) પાસે મોંઘીડાટ ગાડી છે. એમણે પૂછ્યું તું ક્યાંથી લાવ્યો? મને બિરલા શેઠે આપી છે. વલ્લભભાઈ કહે તને નહિ, દેશના ગૃહમંત્રીના દીકરાને કાર ભેટ ધરી છે આજે ને આજે કાર પાછી આપી દે. ડાહ્યાભાઈ પિતાની વાત માની કાર બિરલા શેઠને પરત કરે છે.
તારીખ 15 ડિસેમ્બર 1950 સરદાર પટેલનું મુંબઈમાં અવસાન થયું. અગ્નિસંસ્કાર અત્યંત સાદાયથી કરવામાં આવ્યા. એમના ઘરમાંથી રૂપિયા 237 રોકડા અને પતરાની પેટી હતી.
મૃત્યુપર્યત 40 વર્ષ પછી એમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા.
‘ન ભૂતો ન ભવિષ્યતિ’ એમની સ્મૃતિમાં વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ ઓફ યુનિટી અસરદાર વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ બનાવ્યું. જેને નિહાળી સૌ કોઈ અખંડ ભારતના શિલ્પીને મનોમન વંદન કરે છે. જય હો સરદાર.