ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં નારાજગીનો દોર યથાવત રહેવા પામ્યો છે. એક પછી એક નેતાઓ પોતાની પાર્ટી નેતાઓ સમક્ષ પોતાના નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. AMCના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ ટ્વિટ કરી પોતાની વેદના ઠાલવી હતી.

AMCના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્મા કોંગ્રેસ પક્ષને નુકસાન કરતા લોકોને આડેહાથે લીધા છે. દિનેશ શર્માએ પક્ષને પક્ષમાં રહીને નુક્સાન કરતાં લોકો પર સોશિયલ મીડિયામાં શાયરી પોસ્ટ કરીને નિશાન સાધ્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે, તેઓ ટૂંક સમયમાં કોંગ્રેસને નુકશાન કરનારા નેતાઓના નામ જાહેર કરશે. દિનેશ શર્માએ સોશિયલ મીડિયામાં હું ચૂપ નહીં રહું, તેવું લખીને સ્પષ્ટ સંકેતો આપ્યા હતા કે, તેઓ દિલ્લી સુધી કોંગ્રેસ વિરોધી તત્વોની ફરિયાદ કરીશ અને જરૂર પડશે તો નેતાઓના નામ જાહેર કરીશ.

વધુમાં તેમણે જણાવ્યું કે, કોંગ્રેસના નેતાઓ લોહિ રેડી કોંગ્રેસ પક્ષનું સિંચન કર્યું છે. પરંતુ આજે પાર્ટીમાં કેટલાક ખોટા નિર્ણય લેવામા આવી રહ્યા છે. જે અંગે મારા નારાજગી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા જયરાજસિંહ પરમારે કૉંગ્રેસની કામગીરી અને નેતાઓની નિષ્ક્રિયતાથી નારાજ થઈને પક્ષ છોડી દીધો હતો. 4 વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે વાયદો કર્યા બાદ ટિકિટ ન આપતાં જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. આજે જયરાજસિંહ ગાંધીનગરમાં કમલમ ખાતે વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.