નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ સાત મહિનામાં કેન્દ્રની રાજકોષીય ખાધ સંપૂર્ણ વર્ષના લક્ષ્યાંકના 46.5 ટકા સુધી પહોંચી ગઈ છે.
કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ (CGA)ના ડેટા અનુસાર, એપ્રિલ-ઓક્ટોબરના સમયગાળા દરમિયાન રાજકોષીય ખાધ રૂ. 7,50,824 કરોડ હતી. સરકારના ખર્ચ અને આવક વચ્ચેના તફાવતને રાજકોષીય ખાધ કહેવામાં આવે છે. નાણાકીય વર્ષ 2023-24ના સમાન સમયગાળામાં ખાધ બજેટ અંદાજના 45 ટકા હતી.
સરકારે સામાન્ય બજેટમાં વર્તમાન નાણાકીય વર્ષ 2024-25માં રાજકોષીય ખાધને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ના 4.9 ટકા સુધી લાવવાનો અંદાજ મૂક્યો છે. આમ, સરકાર ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન રાજકોષીય ખાધને રૂ. 16,13,312 કરોડ સુધી સીમિત કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. કેન્દ્ર સરકારના નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ સાત મહિનાના આવક-ખર્ચના ડેટા અનુસાર, ચોખ્ખી કર આવક આશરે રૂ. 13 લાખ કરોડ હતી, અથવા ચાલુ નાણાકીય વર્ષના બજેટ અંદાજના 50.5 ટકા હતી.
પાછલા નાણાકીય વર્ષ માટે, સપ્ટેમ્બર 2023 ના અંતે ચોખ્ખી કર આવક 55.9 ટકા હતી. આ વર્ષે ઓક્ટોબર સુધીના સાત મહિનામાં કેન્દ્ર સરકારનો કુલ ખર્ચ 24.7 લાખ કરોડ રૂપિયા અથવા બજેટ અંદાજના 51.3 ટકા રહ્યો છે. એક વર્ષ અગાઉ સમાન સમયગાળામાં ખર્ચ બજેટ અંદાજના 53.2 ટકા હતો. કુલ ખર્ચમાંથી રૂ. 20 લાખ કરોડ મહેસૂલ ખાતામાં અને રૂ. 4.66 લાખ કરોડ મૂડી ખાતામાં હતા.