બેટી બચાવોથી શરૂ થયેલ અભિયાન અપરાધીઓને બચાવવા પહોંચ્યું, રાહુલ-પ્રિયંકાનો યોગી સરકાર પર ટોણો

New Update
બેટી બચાવોથી શરૂ થયેલ અભિયાન અપરાધીઓને બચાવવા પહોંચ્યું, રાહુલ-પ્રિયંકાનો યોગી સરકાર પર ટોણો

ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા કથળતી જોવા મળી રહી છે. જ્યાં રાજ્યમાં બળાત્કાર, અત્યાચાર અને હત્યાના બનાવો વધી રહ્યા છે, ત્યાં સત્તાધારી પાર્ટીના નેતાઓ અપરાધીઓને બચાવવા લાગ્યા છે. કોંગ્રેસ નેતાઓએ યોગી સરકાર પર તંજ કરી બેટી બચાવો અભિયાનને પોકળ ગણાવ્યું હતું.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને રાજ્યની યોગી આદિત્યનાથ સરકાર પર સતત નિશાન સાધતા હોય છે. કોંગ્રેસે ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં છેડતીના આરોપીને પોલીસ સ્ટેશનમાંથી મુક્ત કરાવવા માટે ભાજપના ધારાસભ્ય પર હંગામો મચાવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. રાહુલ અને પ્રિયંકા ગાંધી બંનેએ આ મામલે ભાજપના 'બેટી બચાવો' અભિયાન પર ટોણો માર્યો છે.

કોંગ્રેસ સંગઠન યુથ કોંગ્રેસ (યુપી પૂર્વ)એ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, "ભાજપના ધારાસભ્ય લોકેન્દ્ર બહાદુરએ પોલીસ સ્ટેશન પર હોબાળો કરી બાળકીની છેડતી કરવાના આરોપીને બચાવ્યો હતો." રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ આ મામલે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.

રાહુલ ગાંધીએ રવિવારે પોતાના ટ્વિટમાં લખ્યું કે, "આ અભિયાન કેવી રીતે શરૂ થયું: પુત્રી બચાવો, શું ચાલી રહ્યું છે: ગુનેગારોને બચાવો." એટ્લે કે બેટી બચાવોથી શરૂ થયેલ અભિયાન ગુનેહગારોને બચાવવા પર પહોંચી ગયું છે. બીજી તરફ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પોતાના ટ્વિટમાં કહ્યું, "શું યુપીનાં મુખ્યમંત્રી તે જણાવશે કે આ ક્યાં 'મિશન' અંતર્ગત થઈ રહ્યું છે? બેટી બચાવો કે અપરાધીને બચાવો?"

તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના હાથરસમાં કથિત ગેંગરેપ અને હત્યાના મામલે રાજકારણ ગરમાયું છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના ઘણા વિપક્ષી નેતાઓ તાજેતરમાં હાથરસ પહોંચ્યા હતા અને પીડિત પરિવારને મળ્યા હતા. રાજ્યમાં બગડતા કાયદો અને વ્યવસ્થા માટે વિરોધી પક્ષો યોગી સરકારને નિશાન બનાવી રહ્યા છે. હાથરસ કેસની તપાસ સીબીઆઈના હાથમાં છે.

Latest Stories