-
જંબુસર પાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાય
-
ચૂંટણીમાં પ્રમુખ અને ઉપપ્રમુખનો 17 મતથી વિજય થયો
-
જંબુસર નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે ચૈતાલી પ્રજાપતિ
-
પાલિકાના ઉપપ્રમુખ પદ માટે દલપત વાઘેલાની વરણી કરાય
-
જંબુસર પાલિકાના નવનિયુક્ત પ્રમુખે જનતાનો આભાર માન્યો
ભરૂચ જિલ્લાની જંબુસર નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થતાં પાલિકાના નવા પ્રમુખ તરીકે ચૈતાલી પ્રજાપતિ, જ્યારે ઉપપ્રમુખ પદ માટે દલપત વાઘેલાની વરણી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાની જંબુસર નગરપાલિકાના મિટિંગ હોલ ખાતે આજરોજ પ્રમુખ તથા ઉપપ્રમુખ પદ માટે મતદાન પ્રક્રિયા નાયબ કલેક્ટર તથા ચૂંટણી અધિકારી ડો. સુપ્રિયા ગાંગુલીના અધ્યક્ષસ્થાને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. સમગ્ર પ્રક્રિયા દરમિયાન ચૂંટાયેલા સભ્યોની ઉપસ્થિતિમાં નિયમ મુજબ મતદાન યોજાયું હતું.
જંબુસર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી વચ્ચે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મનોજ મહેતા દ્વારા પાર્ટીનું મેન્ડેટ રજૂ કરવામાં આવ્યું હતું. પ્રમુખ પદ માટે ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટાયેલા ચૈતાલી પ્રજાપતિ તથા વિપક્ષ તરફથી ચૂંટાયેલા રસીદા ઘાંચીએ ઉમેદવારી નોંધાવી હતી.
મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૈતાલી પ્રજાપતિને ભાજપના 16 તથા એક અપક્ષ સભ્ય સહિત કુલ 17 મત મળતાં તેઓ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા, જ્યારે ઉપપ્રમુખ પદ માટે ભાજપ તરફથી દલપત વાઘેલા તથા કોંગ્રેસ તરફથી અબ્દુલ શહીદ મલેકે ઉમેદવારી નોંધાવી હતી. મતગણતરી બાદ દલપત વાઘેલાને કુલ 17 મત મળતાં તેઓ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા.
ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. ચૂંટણી અધિકારી ડો. સુપ્રિયા ગાંગુલી દ્વારા જંબુસર નગરપાલિકાના નવા પ્રમુખ અને ઉપપ્રમુખને શુભેચ્છાઓ પાઠવી જંબુસર નગરના વિકાસ માટે સકારાત્મક કામગીરી કરવાની શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
