રાજ્યમાં GRD જવાનની દાદાગીરી સામે આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વલસાડ જિલ્લા રૂરલમાં ફરજ બજાવતા GRD જવાન દ્વારા એક વ્યક્તિની કારનો પીછો કરીને તેને ઢોર માર મારતા ફરિયાદીએ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પોલીસ દ્વારા આરોપી GRD જવાન અને તેના મિત્રની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, વલસાડ રૂરલ પોલીસ મથકે ફરજ બજાવતો GRDનો જવાન અંકિત પટેલ તેની પત્નીને મુકવા સેલવાસ ગયો હતો, ત્યાંથી પરત ફરતા ભરૂચ તરફ જતી એક કારને ઓવરટેક કરી અટકાવવાના ઘણા પ્રયાસો કર્યા હતા. કારચાલકે કારને અટકાવી GRD જવાને કારને ચેક કરી હતી, પરંતુ કારમાંથી GRD જવાનને કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. જોકે 5 કિમિ દૂર ગયેલી કાર આગળ GRDના જવાને પોતાની કાર મૂકીને કારમાં સવાર ભરૂચના મુઝમ્મીલ નિઝામ કટ્ટા અને તેના મિત્રને ખૂબ માર માર્યો હતો. જોકે હાઇવે પર ટ્રાફિક જામ થતા GRD જવાન તેના મિત્ર સાથે પોતાની કારમાં નાસી છૂટ્યો હતો. બનાવ અંગે વલસાડ રૂરલ પોલીસ મથકે ભરૂચના યુવાનોએ GRD જવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે બનાવની જાણ એસપીને થતા GRD જવાનને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. જોકે ઘટના બાદ GRD જવાન અંકિત અને તેના મિત્રને પોલીસે ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો.