/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault-67.jpg)
રાજયમાં વિકાસના દાવાઓ વચ્ચે વિકાસ કવાંટ તાલુકાની વાટ ભુલી ગયો હોય તેમ લાગી રહયું છે. અસાર અને કેડાવાટ ગામ વચ્ચેથી પસાર થતી હેરણ નદી પર પુલ કે નાળુ નહિ હોવાથી 3 હજારથી વધારે લોકો ભારે હાલાકી વેઠી રહયાં છે.
કવાંટ તાલુકાના અસાર તેમજ કેડાવાંટ ગામ વચ્ચેથી હેરણ નદી પસાર થાય છે. આ બંને બે ગામ વચ્ચે હેરણ નદી ઉપર પુલ કે નાળું નથી. ચોમાસાની ઋતુમાં એક ગામથી બીજે ગામ આવવું હોય તો ફક્ત હેરણ નદી પસાર કરે તો દસ મિનિટમાં આવી જવાય પરંતુ હેરણ નદીમાં પાણી હોયતો 15 કિલોમીટરનો ફેરાવો ફરવો પડે છે. જેના કારણે સમય અને નાણા બંનેનો વેડફાટ થાય છે. ગામના વિદ્યાર્થીઓને શાળાએ જવું હોય ત્યારે તેમના વાલીઓ તેમને ખભા પર બેસાડીને નદી પાર કરાવે છે. નદી પાર કરવાની હોવાથી કેટલાય વિદ્યાર્થીઓ શાળાએ પણ જતાં નથી. સરકાર અને નેતાઓ વિકાસની વાતો કરે છે પણ આ ગામડાઓ સુધી હજી વિકાસ પહોંચી શકયો નથી તેવી પ્રતિતિ લોકો કરી રહયાં છે. નેતાઓના દાવાઓ અને વાસ્તવિકતામાં જમીન અને આસમાનનો ફરક છે. ગામના આગેવાનોએ અનેકવાર તંત્ર ને રજુઆત કરવા છતાં આ આદિવાસી પ્રજાની કોઈ પણ રજુઆત અધિકારીઓ અને પદાધિકારીઓના બહેરા કાને સંભળાતી નથી. બંને ગામના ખેડૂતોના ખેતરો હેરણ નદીના કાંઠે આવેલા હોવાથી તેમને પણ ખેતરોમાં જવા માટે અગવડનો સામનો કરવો પડે છે. વિકાસના મસમોટા દાવાઓ કરનારી સરકાર આ વિસ્તારના લોકોની પુલ કે નાળાની જરૂરિયાત પુરી કરી સાચા અર્થમાં તેમને વિકાસનો અનુભવ કરાવે તે જરૂરી બન્યું છે.