અંકલેશ્વર શહેરમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. નગરપાલિકા કચેરી સામે જ ઢોરનો અડ્ડો જોવા મળતા વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
અંકલેશ્વર શહેરમાં રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા તાજેતરમાં જ વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જોકે, આ ઝુંબેશની અસર નગરપાલિકા કચેરી આસપાસ જ જોવા મળતી નથી. નગર સેવા સદનની કચેરીની સામે જ અંદાજે 15 જેટલા રખડતા ઢોર નિર્ભય રીતે રસ્તા પર ફરતા જોવા મળ્યા હતા.નગરપાલિકાની કચેરી સામે જ ઢોરનો અડ્ડો જામતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર અચાનક ઢોર આવી જતા અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે. સ્થાનિકોમાં પણ આ મુદ્દે અસંતોષ જોવા મળી રહ્યો છે.શહેરભરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી ચાલી રહી હોવા છતાં નગરપાલિકા કચેરી સામે જ આવી સ્થિતિ જોવા મળતા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે તંત્રએ ઝુંબેશની શરૂઆત પોતાના પરિસરથી જ કરવી જોઈએ. હવે જોવાનું રહ્યું કે જવાબદાર તંત્ર આ મામલે કેટલું ઝડપથી કાર્યવાહી કરે છે.
