સુરતના પર્વત પાટિયા વિસ્તારના લોકો હવે તંત્રની નિષ્ક્રિયતાથી કંટાળીને આરપારની લડાઈના મૂડમાં આવી ગયા છે,વારંવાર આવતા ખાડી પૂરના ત્રાસ સામે લોકોએ હવે તંત્ર સામે આક્રમક બન્યા છે.

જુલાઈ 2026ના આ એક જ મહિનામાં સુરતીઓએ એક નહીં, પરંતુ બે-બે વાર ખાડી પૂરનો સામનો કરવો પડ્યો છે. ખાડીના ગંદા પાણી સોસાયટીઓમાં ઘૂસી જતા લોકોનો લાખો રૂપિયાનો ઘરવખરીનો સામાન અને કિંમતી ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે.

સુરતના પર્વત પાટીયાના રહેણાંક વિસ્તાર ઋષિ વિહાર, સત્યમ, શિવમ, સુન્દરમ, માધવબાગ, નંદનવન, વૃંદાવન, શ્રી વર્ધન રોહાઉસ, રણછોડ નગર, શાંતિનગર, ગણેશ નગર અને એસકે નગરના રહીશોમાં હવે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

લોકોનો સીધો આરોપ છે કે ટેક્સટાઈલ માર્કેટોના કારણે ખાડી પર ગેરકાયદે દબાણો થઈ ગયા છે, જેની સામે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. એટલું જ નહીં, વાલક ખાડીને ડાયવર્ટ કરવાના અવિચારી નિર્ણયને કારણે તંત્રએ અડધા સુરતને ખાડી પૂરમાં ધકેલી દીધું છે. હવે જો તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ખાડી પૂરની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે, તો પર્વત પાટીયાના રહીશો રસ્તા પર ઊતરીને મોટું આંદોલન કરવા મક્કમ બન્યા છે.