ભરૂચના આમોદ તાલુકાના ધનસોલી ખેતર વિસ્તારમાં આવેલ એક નાના તળાવ પાસે મગરના હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનાએ સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જ્યો છે. અશરફ પટેલ નામના ખેડૂત પોતાના ખેતરમાં બકરીના બચ્ચાને પાણી પીવડાવવા તળાવ પાસે ગયા હતા. આ દરમિયાન તળાવમાંથી મગરે અચાનક હુમલો કર્યો હતો અને તેમના હાથને પકડીને તેમને પાણીમાં ખેંચવાનો પ્રયાસ કર્યો. એકલા હોવા છતાં અશરફ પટેલે અસાધારણ હિંમત દાખવી. તેમણે મગર સાથે જોરદાર સંઘર્ષ કર્યો અને કોઈ રીતે પોતાનો હાથ છોડાવી લીધો હતો.
તેમની બહાદુરીના કારણે મોટી દુર્ઘટના ટળી અને તેમનો જીવ બચી ગયો.હુમલામાં અશરફ પટેલના હાથમાં ગંભીર ઇજાઓ પહોંચી છે. તેઓ લોહીલુહાણ હાલતમાં આમોદના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.