વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ સમાન દહેજ
અને ઘોઘા વચ્ચે રો - રો ફેરી સર્વિસ બંધ થવાના અણસાર દેખાઇ રહયાં છે. દરિયામાં
ડ્રેજિંગની કામગીરી થતી ન હિ હોવાથી અઢી મહિનાથી રોપેક્ષ અને રો- રો ફેરી સર્વિસના
જહાજો કિનારા પર લાંગરેલા હોવાથી કંપનીને દર મહિને 5 કરોડ રૂપિયાથી વધુની ખોટ જઇ રહી હોવાથી કંપનીએ રો- રો
ફેરી સર્વિસમાં ઉપયોગમાં લેવાતાં આઇલેન્ડ જેડ નામના જહાજને વેચવા માટે કાઢયું
હોવાની વિગતો સપાટી પર આવી છે.
ભરૂચના દહેજ અને ભાવનગરના ઘોઘા બંદર વચ્ચે 2017માં રો રો ફેરી સર્વિસનું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન કરાયું હતું. બંને બંદરો વચ્ચેનું સડક
માર્ગનું 800 કીમીનું અંતર જહાજમાં માત્ર 1 કલાકમાં કાપી શકાતું હોવાથી મુસાફરોના સમયનો બચાવ થતો હતો. રો - રો ફેરી
સર્વિસના સંચાલન માટે ઇન્ડીગો સી વેઝ કંપનીએ સિંગાપુરથી આઇલેન્ડ જેડ નામના જહાજની
ખરીદી કરી હતી. આ જહાજમાં માત્ર મુસાફરોનું વહન કરવામાં આવતું હતું.
ડીસેમ્બર 2018માં રોપેક્ષ સર્વિસ શરૂ કરવામાં આવી હતી. જેમાં
મુસાફરો તેમના વાહનો સાથે મુસાફરી કરી શકે છે. છેલ્લા ઘણા સમયથી દહેજ અને ઘોઘા
બંદર ખાતે ડ્રેજિંગની કામગીરી થતી ન હોવાથી જહાજને ચલાવવા માટે દરિયામાં 5 મીટરની ઉંડાઇનો પણ ડ્રાફટ
મળતો નથી. જેના કારણે કંપનીને જંગી ખોટ જઇ રહી છે. હાલ રોપેક્ષ સર્વિસ પણ બંધ છે.
બીજી તરફ માત્ર મુસાફરોનું વહન કરતી રો- રો ફેરી સર્વિસ બંધ થવાના અણસાર વર્તાઇ
રહયાં છે. ખોટ તેમજ ડ્રેજિંગનું કારણ આગળ ધરી કંપનીએ રો- રો ફેરી સર્વિસ માટે
ઉપયોગમાં લેવાતાં આઇલેન્ડ જેડ નામના જહાજને વેચવા કાઢયું હોવાનું જાણવા મળી રહયું
છે. આમ માત્ર બે વર્ષના ટુંકાગાળામાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ
પર પડદો પડી જાય તેવા સંજોગો ઉભા થયાં છે.
ઇન્ડીગો સીવેઝ કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, દહેજ અને ઘોઘા બંદર ખાતે
ચેનલમાં ડ્રેજિંગની કામગીરી બરાબર રીતે કરવામાં આવતી નથી. દહેજ બંદરે માત્ર 1.5 ફૂટ જેટલું પાણી રહી ગયું
છે જયારે જહાજનો ડ્રાફટ 4 મીટરથી વધુનો છે. ગુજરાત મેરી ટાઇમ બોર્ડ દ્વારા ડ્રેજિંગની કામગીરી 24 કલાક ચલાવવામાં આવતી નથી.
પાણીના અભાવે માત્ર રોજના 4 કલાક જેટલા સમય જ ડ્રેજિંગ કરવામાં આવે છે. છેલ્લા અઢી મહિનાથી બંને જહાજ
કિનારા પર લાંગરેલા છે. કંપનીને મહિને 5 કરોડ રૂપિયાથી વધુની ખોટ જઇ રહી હોવાથી કંપનીને
આઇલેન્ડ જેડ નામનું જહાજ વેચી કાઢવાનો નિર્ણય લીધો છે. પાણીના અભાવે સમયસર જહાજ
ચાલી શકતા નહિ હોવાથી ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બની ગયો છે આવા સંજોગોમાં કંપની પાસે
અન્ય કોઇ વિકલ્પ બચ્યાં નથી.