ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં પ્રવાસીઓ સાથે ટુર પેકેજના નામે છેતરપિંડી કરનાર 2 શખ્સોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં પ્રવાસીઓ સાથે ટુર પેકેજના નામે રૂ. 75 હજારથી વધુની છેતરપિંડી કરનાર 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ સ્ટેશનની ટીમે પ્રવાસી સાથે પ્રવાસના બહાને લોભ-લાલચ આપી છેતરપિંડી આચરતી ગેંગના 2 સાગરીતોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ડાંગ-આહવાના પોલીસ અધિક્ષક પૂજા યાદવ તેમજ નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ મથકનાં PI જે.કે.બારીયાની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન રિસોર્સની મદદથી આ કામગીરી  કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ‘vendorland tours & Vacations Pvt. Ltd’ નામની કંપનીના સંચાલકો અને કર્મચારીઓએ ફરિયાદીને ટુર પેકેજ અપાવી અલગ-અલગ ચાર્જના નામે કોઈ સુવિધા આપ્યા વગર રૂ. 76 હજારની છેતરપિંડી કરી હતી. આ સાથે જ ક્રેડિટ કાર્ડના વ્યાજ પેટે પણ રૂ. 10,500 પડાવી લીધા હતા. આ અંગે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધાતા સાપુતારા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. સાપુતારા પોલીસ મથકના PI જે.કે.બારીયા દ્વારા આ ગુનામાં સામેલ મુખ્ય આરોપીઓ નિલેષભાઈ રામદાસભાઈ આહીરે અને મિત સુરેશભાઈ શાહને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય 2 વોન્ટેડ આરોપીઓ પૂજા શર્મા અને જયદીપ શેટ્ટી (બંને કંપનીના કોલ સેન્ટર કર્મચારી)ને વહેલી તકે ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.