• ડાંગના ખેડૂતે પરંપરાગત ખેતીને અલવિદા કહી કરી કમાલ

  • અનોખી સૂર્યમંડળ ખેતીથી કરી લાખોની કમાણી

  • કૃષિ અને વિજ્ઞાનનો અનોખો સંગમનું આધુનિક મોડેલ

  • શૂન્ય ખર્ચે લાખોનો નફો આપતી ડાંગની સૂર્યમંડળ ખેતી

  • કૃષિ વિદ્યાર્થીઓ માટે રોલ મોડેલ બન્યું અનોખું ખેતર 

ડાંગના અંતરિયાળ ચીખલી ગામમાં પ્રકૃતિ અને વિજ્ઞાનનો અદભૂત સંગમ સર્જાયો છે. પ્રગતિશીલ ખેડૂત કિશોર પટેલે પરંપરાગત ખેતીના ચીલાચાલુ માર્ગો છોડી સૂર્યમંડળ આધારિત ખેતીનું સફળ મોડલ તૈયાર કર્યું છે. ગ્લોબલ વોર્મિંગ અને અનિયમિત વરસાદના પડકારો વચ્ચે આ પદ્ધતિ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

ડાંગના અંતરિયાળ ચીખલી ગામના ખેતરમાં જાણે આકાશનું સૂર્યમંડળ ધરતી પર ઉતરી આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ખેડૂત કિશોરભાઈએ પોતાના ખેતરને ગોળાકાર વલયોમાં વિભાજિત કરી કૃષિનું નવું પરિમાણ રજૂ કર્યું છે. આ પદ્ધતિમાં કેન્દ્રસ્થાને મુખ્ય પાક તરીકે કેળાનું વાવેતર કરી તેની આસપાસના સ્તરોમાં ઋતુ મુજબના અન્ય પાકો લેવામાં આવે છે. ઓછી જમીન અને મર્યાદિત સાધનો હોવા છતાંઆ પદ્ધતિ દ્વારા મબલખ ઉત્પાદન મેળવવું હવે શક્ય બન્યું છે.

આ મોડેલમાં પાકોની ગોઠવણી અત્યંત વૈજ્ઞાનિક છે. પ્રથમ વલયમાં કંદમૂળબીજામાં પાંદડાવાળી ભાજી અને ત્રીજા વલયમાં ટામેટારીંગણ તેમજ મરચાં જેવા શાકભાજી લહેરાય છે,જ્યારે ખેતરની સરહદ પર વેલાવાળા પાકો લેવામાં આવે છે. ગાય આધારિત આ પ્રાકૃતિક ખેતીમાં માત્ર જીવામૃતનો ઉપયોગ થતો હોવાથી ખાતરનો ખર્ચ શૂન્ય છે. અહીં સૌથી મોટો ફાયદો પાણીની બચતનો છે,છોડને કુદરતી ભેજ મળી રહેતો હોવાથી મહિનામાં માત્ર બે જ વાર પિયત આપવાની જરૂર પડે છે.

કિશોરભાઈએ જળ સંચય માટે ખેતરમાં જ 10 લાખ લીટરની ક્ષમતા ધરાવતું તળાવ બનાવી આખું વર્ષ સિંચાઈની સુવિધા સુનિશ્ચિત કરી છે. આદિવાસી વિસ્તારનો આ નવતર પ્રયોગ આજે રાજ્યભરના ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યો છે. ન્યૂનતમ ખર્ચે સમૃદ્ધિ તરફ લઈ જતી આ સોલર સિસ્ટમ ફાર્મિંગ‘ પદ્ધતિ ભવિષ્યમાં ખેતીની નવી ઓળખ બનશે તે નિશ્ચિત છે.