વૈશ્વિક મહામારીના કપરા સમયમાંથી ઉગરેલા સમાજને સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે વેક્સીનેસન બાબતે જાગૃતિ કેળવી સમયસર વેકસીનના બન્ને ડોઝ લઈને પોતાને, તથા પોતાના પરિવારજનોને સુરક્ષિત કરવાની અપીલ સાથે, ડાંગ કલેકટર ભાવિન પંડયાએ કોરોના સામેના જંગમાં પ્રજાકીય શિસ્ત અને સરકારની માર્ગદર્શક સૂચનાઓના અક્ષરશ; પાલન કરવાના અનુરોધ સાથે, ૭૫મા સ્વતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
કોરોનાના સંક્રમણની દહેશત વચ્ચે ખુબ જ સંયમપૂર્વક યોજાયેલા સ્વતંત્રતા દિવસ ઉજવણી કાર્યક્રમ દરમ્યાન ડાંગ જિલ્લા મેજીસ્ટ્રેટ ભાવિન પંડ્યાએ રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ, પરેડ નિરીક્ષણ કરી પ્રજાજોગ ઉદબોધન કર્યું હતું. “જાન ભી, ઓર જહાન ભી”ના સુત્રને ચરિતાર્થ કરવાના સહિયારા પ્રયાસોની હિમાયત કરતા જિલ્લા મેજીસ્ટ્રેટએ ડાંગ જિલ્લાની વિકાસકૂચની ટૂંકમાં ઝાંખી રજુ કરી હતી. ડાંગ જિલ્લાની હથિયારી પોલીસ ટુકડી, ફોરેસ્ટ ફોર્સના જવાનો, હોમગાર્ડ યુનિટ, ગ્રામ રક્ષક દળ, અને પોલીસ બેન્ડ દ્વારા શિસ્તબદ્ધ પરેડ રજુ કરવામાં આવી હતી.
આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પોલીસ બેન્ડની સુમધુર સુરાવલીઓ સાથે દેશભક્તિ ગીતોના સંગીતે વાતાવરણને જોમવંતુ બનાવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત ડાંગના શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે વિશિષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરનારા તેજસ્વી તારલાઓ, અને આરોગ્ય વિભાગના ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સનું જિલ્લા કલેકટર દ્વારા જાહેર સન્માન સાથે અભિવાદન કરવામાં આવ્યું હતું.
પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરાયું હતું. સ્વતંત્રતા દિવસે કલેકટરના હસ્તે આહવા, સુબિત તથા વઘઈ તાલુકાના વિકાસ માટે ફાળવાયેલા વિશેષ અનુદાનના ચેકો પણ અર્પણ કરાયા હતા. ડાંગ પોલીસના જવાનો દ્વારા ૨૧ રાયફલની સલામી સાથે હર્ષ ધ્વની કરી, રાષ્ટ્રધ્વજને બાઅદબ સલામી આપવામાં આવી હતી. કલેક્ટર એ ઝરમર ઝરમર વરસતા વરસાદમા ખુલ્લી જીપમા પરેડ નિરીક્ષણ કરી સૌનું અભિવાદન ઝીલ્યુ હતું. આ પ્રસંગે ડાંગના ધારાસભ્ય વિજય પટેલ, પંચાયત પ્રમુખ મંગળ ગાવિત સહિતના જનપ્રતિનિધિઓ, નગરજનો, જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ વિગેરેએ ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી અર્પી હતી.
ડાંગ જિલ્લાના ૭૫મા સ્વતંત્રતા દિવસ ઉજવણી કાર્યક્રમને સફળ બનાવવા માટે જીલ્લાના મહેસુલી અધિકારીઓ નિવાસી અધિક કલેકટર પદ્મરાજ ગામીત, પ્રાંત અધિકારી કાજલ ગામીત તથા તેમની ટીમ, જિલ્લા પંચાયતના વડા, જિલ્લા વિકાસ અધિકારી ડો. વિપિન ગર્ગ અને સમગ્ર જિલ્લા પંચાયતની ટીમ, પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજા અને તેમની ટીમ, વન અધિકારી રોહિત ચૌધરી તથા તેમની ટીમ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મયોગીઓએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી. કાર્યક્રમના ઉદ્ઘોષક તરીકે બીજુ પટેલ અને સંદીપ પટેલે સેવા આપી હતી.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170