-
દેશ સેવા બાદ નિવૃત્ત SRP જવાનની માટીની સેવા
-
એક એકરમાં પ્રાકૃતિક ખેતીથી ઉભુ કર્યું સફળ મોડલ
-
કેમિકલમુક્ત આંબા ઉછેરીને મેળવી લાખોની કમાણી
-
એક એકર જમીનમાં 200 આંબા અને લાખોની કમાણી
-
નિવૃત્ત જવાને ચીંધ્યો રસાયણમુક્ત સમૃદ્ધિનો નવો રાહ
ડાંગના SRP જવાને નિવૃત્તિ બાદ પ્રાકૃતિક ખેતીનું સફળ મોડેલ ઊભું કર્યું છે. તેમણે માત્ર એક એકર જમીનમાં, કેમિકલમુક્ત બસો જેટલા આંબા ઉછેરીને લાખોની કમાણી કરી છે. આજે તેઓ સમગ્ર જિલ્લામાં માસ્ટર ટ્રેનર બનીને હજારો ખેડૂતોને રસાયણમુક્ત સમૃદ્ધિનો નવો માર્ગ ચીંધી રહ્યા છે.
ડાંગના ચીખલી ગામના સુકીરાવભાઈ ગાયકવાડ વર્ષ 2013માં પોલીસ સેવામાંથી નિવૃત્ત થયા બાદ સીધા ખેતરે પહોંચ્યા હતા. તેમણે ‘આત્મા પ્રોજેક્ટ‘ અંતર્ગત પ્રાકૃતિક કૃષિની તાલીમ મેળવીને પોતાના એક એકર ખેતરમાં પ્રયોગો શરૂ કર્યા હતા. આજે તેમની આ મહેનત વિવિધ પ્રજાતિના બસો જેટલા આંબા અને તેના પર લદાયેલી રસદાર સોનેરી કેરીઓના રૂપમાં લહેરાઈ રહી છે.
સુકીરાવભાઈ માને છે કે જમીનને રાસાયણિક ખાતરોનું ઝેર આપીને આપણે ક્યારેય સ્વસ્થ નહીં રહી શકીએ. આ જ વિચાર સાથે તેમણે ઘનજીવામૃત, જીવામૃત અને પાક સંરક્ષણ માટે નીમાસ્ત્ર તેમજ બ્રહ્માસ્ત્ર જેવી કુદરતી દવાઓનો ઉપયોગ શરૂ કર્યો છે. આ પદ્ધતિથી તેઓ વાર્ષિક દોઢ લાખ રૂપિયાનું ટર્નઓવર મેળવી રહ્યા છે અને જિલ્લાના અન્ય ખેડૂતોના શ્રેષ્ઠ માર્ગદર્શક બન્યા છે.
પોતાની કોઠાસૂઝથી સુકીરાવભાઈએ સાબિત કર્યું કે સાચી તાલીમ અને કુદરતી પદ્ધતિથી ખૂબ જ ઓછા ખર્ચે મબલખ નફો મેળવી શકાય છે. દેશસેવા બાદ ધરતીની સુરક્ષા કાજે શરૂ થયેલી તેમની આ સફર આજે ગુજરાતના ખેડૂતો માટે આત્મનિર્ભરતાની નવી દીવાદાંડી બની ગઈ છે.
